સુરત: બેંક ઓફ મહારાષ્ટ્રમાં લૂંટ ચલાવનાર ટોળકીની સુરત ક્રાઇમ બ્રાન્ચે ગાંધીધામથી ધરપકડ કરી છે. પાંચ જેટલા યુવકોએ વાંઝ ગામે આવેલ બેંક ઓફ મહારાષ્ટ્રમાં હથિયાર બતાવી બેંકના કર્મચારીઓને બતાવી કેશિયર કેબિન તથા તિજોરીમાંથી જુદા જુદા દરની નોટો મળી કુલ 13.26.530 રૂપિયા લૂંટી ફરી તે જ બાઈક ઉપર ફરાર થઈ ગયા હતા. જેેને આખરે ઝડપી લેવામાં આવ્યા છે.
ક્યારે બની ઘટના: ગત શુક્રવારે વાંઝ ગામે આવેલ બેંક ઓફ મહારાષ્ટ્રમાં હેલ્મેટ પહેરીને પાંચ યુવકો આવ્યા હતા. બેન્કની સામે બાઈક પાર્ક કર્યા બાદ એક પછી એક કરીને લૂંટારૂ બેક્રમાં દાખલ થયા હતાં. બે જણાએ તેમની પાસે રહેલી પિસ્તોલ જેવું હથિયાર બેંકના કર્મચારીઓને બતાવી કેશિયર કેબિન તથા તિજોરીમાંથી જુદા જુદા દરની નોટો મળી કુલ 13.26.530 રૂપિયા લૂંટી ફરી તે જ બાઈક ઉપર ફરાર થઈ ગયા હતા. જોકે ઘટનાની જાણ થતા જ સુરત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી તથા સ્થાનિક પોલીસનો કાફલો બેંકમાં ધસી આવ્યો હતો. તેની સાથે જ સમગ્ર સુરત સહિત જિલ્લાઓમાં લૂંટ ચલાવનાર ટોળકીને પકડવા માટે નાકા બંધી કરી હતી.
CCTV કેમેરાના મારફતે પીછો: સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પોલીસને લૂંટારૂઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી બાઈક ઉન વિસ્તારની અંજુમન હોસ્પિટલ પાસેથી શોધી કાઢી હતી. અહીંથી યુવકો રિક્ષામાં ભાગ્યા હતાં. પોલીસ સીસીટીવી કેમેરાના મારફતે તેમનો પીછો કરતી રહી હતી. જેમાં તેઓ રીક્ષામાં બેસીને પાંડેસરાથી સ્ટેશન તરફ જતા કેમેરામાં કેદ થયા હતાં. અહીં કરાયેલી તપાસમાં ટોળકી બસમાં બેસી ગાંધીધામ જવા નીકળી હોવાનું બહાર આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનીકલ સર્વેલન્સથી તેમની પાછળ પડી હતી. આખી રાત ચાલેલી ભાગદોડના અંતે તેઓને ગાંધીધામથી ઝડપી લેવાયા હતા.
ચાર દિવસ બેંકની રેકી કરી: તમામ લૂંટારૂઓએ બેંક ઓફ મહારાષ્ટ્રમાં લૂંટ પહેલા ચાર દિવસ સુધી ત્યાં રેકી કરી હતી. બેંકમાં કેટલો સ્ટાફ છે? કેટલા વાગે આવે છે? ગ્રાહકોની અવર જવર કેટલા વાગે શરૂ થાય છે? સુરક્ષા માટે કેવી વ્યવસ્થા છે? ગાર્ડ છે કે કેમ, લૂંટ બાદ ભાગવા માટે કયો રસ્તો સુરક્ષિત છે. એ બધી બાબતો અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી માહિતી મેળવ્યા બાદ તેઓ ત્રાટકયા હતાં. બેંકની આસપાસના માહોલ અંગે પણ તેઓએ ચાર દિવસ આંટાફેરા મારીને તાગ મેળવ્યો હતો. પૂરી ખાતરી તપાસ બાદ ટોળકીએ બેંકમાં દરોડો પાડ્યો હતો.