રાજકોટ જિલ્લાના ગોંડલ-જેતપુર અને જામકંડોરણામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. આ વરસાદના કારણે ધરતીપૂત્રો અને ફટાકડાના વેપારીઓ ચિંતામાં મૂક્યાં હતાં.
સુરત શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. મેઘરાજા દિવાળીના દિવસે વરસ્યા હતાં. દિવાળીના તહેવાર સમયે જ મેઘરાજા વિઘ્નદાતા બની વરસતા સુરતીલાલાઓની દિવાળી બગડી હતી. કમોસમી વરસાદને કારણે સુરતના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયું હતું. જેને લઇને લોકોને હાલાકી વેઠવી પડી હતી. પરિવાર સાથે ખરીદી કરવા નીકળેલા લોકો ભારે વરસાદના કારણે અટવાયા હતાં. જ્યાં કેટલાક વાહનો બંધ પડતા ચાલકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 'ક્યાર' નામના વાવાઝોડાનો ખતરો હતો. પરંતુ, 'ક્યાર' ઓમાન તરફ ફંટાયુ છે. રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દિવાળીના દિવસે વરસાદ નોંધાયો હતો.