અમદાવાદ: અમદાવાદમાં યોજાઈ રહેલા કોલ્ડપ્લે કોન્સર્ટ માટે દેશ-દુનિયામાં મ્યુઝિક લવર્સ આવ્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ કોન્સર્ટ યોજાયો છે જેના સાક્ષી બનવા માટે ફેન્સમાં પણ કંઈક હટકે કરવાનો અંદાજ વધારે જોવા મળ્યો.
ખાસ કરીને સ્ટેડિયમની અંદર જતા પહેલા પ્રેક્ષકો નિયોન ટેટુ બનાવતા હોય તેમ કેમેરામાં કેદ થયા હતાં. અમદાવાદમાં પહેલી વાર કોલ્ડપ્લે કોન્સર્ટની બહાર આવી રીતે ટેટુ બનાવવાની શરૂઆત મિહિર ડાભી નામના એક ટેટૂ આર્ટિસ્ટે કરી છે.
આ અંગે ટેટુ આર્ટિસ્ટ મિહિર ડાભીએ જણાવ્યું હતું કે, ''આજકાલ ટેટુ બનાવવાનો ક્રેઝ ચાલી રહ્યો છે, એટલે અમે પણ સ્ટેડિયમની બહાર આવતા બધા લોકોને તેમની ઈચ્છા મુજબ ટેટુ બનાવી રહ્યા છે. જેવી રીતે પહેલા જમાનામાં મહિલાઓ આઇબ્રો ઉપર બિંદી અને કલર કરીને મેકઅપ કરતી હતી એવી જ રીતે અમે આંખની બંને બાજુ અને ગમે તેવી જગ્યા ચહેરા ઉપર ઇકો ફ્રેન્ડલી ટેટુ બનાવવાની શરૂઆત કરી છે. જેનાથી સ્કીનને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી.
લોકો બટરફ્લાય અને સ્ટાર ચકલીની ડિઝાઇનના ટેટૂ બનાવી રહ્યા છે. વિદેશોમાં આ કોન્સેપ્ટ વધારે ચાલે છે. આ ટેટૂ જ્યારે રાત્રિ થાય ત્યારે ચમકે છે, આ ટેટુ માંથી લાઈટ જેવી દેખાય છે અને લોકોને આ લુક બહુ જ ગમી રહ્યો છે.
અમે એક વર્ષથી પહેલા આ ટેટૂ બનાવવાની શરૂઆત કરી હતી. આજે અહીંયા ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો ઘણા ફ્રેન્ડ્સ ટેટૂ બનાવીને ગયા. આ ટેટૂની પ્રાઈઝ સો રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની છે, જેને જે ગમે એવા ટેટૂ બનાવી રહ્યા છે''.
અહીં ટેટૂ કરાવનાર હિરલ નામની યુવતીએ જણાવ્યું હતું કે, ''મને ખૂબ જ મજા આવી રહી છે. આજે હું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવી છું અને અહીંયા મને આ ટેટૂ કરાવવાનો મોકો મળ્યો, આ ટેટૂ મને બહુ જ ગમ્યું અને મે બટરફ્લાય ટેટૂ કરાવ્યું છું''.
તો અન્ય એક મહિલા આસ્થા જે રાચી ઝારખંડથી આ કોલ્ડ પ્લે માટે આવી હતી, તેમણે જણાવ્યું હતું કે, ''મે અમદાવાદ એરપોર્ટ ઉપર જ મારા ચહેરા પર ટેટુ કરાવ્યુ હતું. હું એરપોર્ટ થી ડાયરેક્ટ સ્ટેડિયમમાં આવી છું. મને અહીંયા બહુ જ મજા આવી રહી છે, મને બહુ જ સારો અનુભવ થયો છે. અમદાવાદના લોકો ખુબ સારા છે, અને સ્ટેડિયમની બહારનો માહોલ પણ બહુ જ એક્સાઇટેડ જોવા મળ્યો. અંદર જઈને મે પણ ખૂબ જ એકસાઇટમેન્ટ સાથે કોલ્ડપ્લેની મજા માણી''.