સુરત: રાજ્ય અને દેશમાં અવારનવાર ચોરીની ઘટનાઓ સમાચારમાં આવતી રહે છે. ત્યારે ઘણી વખતે ઉંધા રવાડે ચડેલા યુવાનો પણ ન કરવાનું કરી બેસતા હોય છે. ક્યારેક ચોરીના બનાવો પણ સામે આવે છે. ત્યારે કાપોદ્રાના વેપારીના મકાનમાં થયેલી રૂ 1.30 લાખની ચોરીમાં સગો પુત્ર જ ચોર હોવાનો ખુલાસો થયો હતો. મોજશોખના રવાડે ચઢેલા યુવકે પોતાના ઘરમાં જ હાથફેરો કર્યો હતો.
વેપારીના ઘરમાંથી 1.30 લાખની ચોરી: મળતી વિગતો પ્રમાણે કાપોદ્રામાં સમ્રાટ સોસાયટી પાસે અશોક વાટિકામાં રહેતા 50 વર્ષીય પ્રવિણભાઈ માંગુકીયા મૂળ ભાવનગરના ગારિયાધરના વતની છે. એમ્બ્રોઈડરીના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રવિણભાઈના મકાનમાં ગત 1 ફેબ્રુઆરીના રોજ ચોરી થઈ હતી. લોખંડની તિજોરીના લોક તોડી સોનાના ઘરેણાં અને રોકડા રૂપિયા મળી ૧.૩૦ લાખની મત્તા ચોરાઇ ગઇ હતી. જે અંગે કાપોદ્રા પોલીસમાં ગુનો નોંધાયો હતો.
સગા પુત્રે ઘરમાં ચોરી કરી: કાપોદ્રા પોલીસે કરેલી તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. પ્રવિણ માંગુકીયાના ઘરમાં સગા દીકરા શુભમે જ ચોરી કરી હોવાનું ખુલ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ શુભમ મોજ-શોખ અને હરવા-ફરવાનો શોખિન હતો. તે કોઈ કામ-ધંધો કરતો ન હતો. તે અગાઉ પણ ઘરમાંથી ચોરી કરી ચૂક્યો છે. કાર ભાડે લઈ તે ફરવા નીકળી પડતો હતો. શુભમની કરતૂતો અને કુટેવોથી કંટાળી માતા-પિતાએ ઠપકો આપી તેને ઘરમાંથી હાંકી પણ કાઢ્યો હતો.
આરોપીએ 2 જગ્યાએ ઠગાઈ કરી: પોતાના મોજ-શોખ પૂરા કરવા પ્રવિણભાઈ માંગુકીયાનો પુત્ર શુભમ વર્ષ 2023માં જે જગ્યાએ નોકરીએ લાગ્યો હતો. ત્યાં પણ રૂ. 3.50 લાખનો હાથફેરો કર્યો હતો. સાથોસાથ એક મની ટ્રાન્સફરની દુકાનમાંથી ક્રેડિટકાર્ડનું બીલ ભરવાના બહાને 75 હજારની ઠગાઈ કરી હતી. જે અંગે પણ કાપોદ્રામાં 2 ગુના નોંધાઈ ચૂક્યા હતા અને બંને કેસમાં પોલીસે તેની ધરપકડ પણ કરી હતી.
પોલીસે આરોપીને ઝડપી લીધો: કાપોદ્રા પોલીસે ગુનાહિત ઇતિહાસના આધારે શુભમ ફરતે તપાસ કેન્દ્રિત કરી હતી. ચોરી થયા બાદ તે ઘરમાં ન હોય આખરે ટેકનિકલ સર્વલન્સના આધારે વર્કઆઉટ કર્યુ હતું. પોતાના જ ઘરમાં ચોરી કરવાના ગુનામાં 21 વર્ષીય શુભમ પ્રવિણ માંગુકીયાને નાના વરાછા ઢાળ પાસેથી પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી સોનાનો બ્રેસ્લેટ, રોકડ રકમ મળી 1.43 લાખનો મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો.
આ પણ વાંચો: