જૂનાગઢ: આ વર્ષે લસણના તેજી અને મંદીના બજાર ભાવ ઐતિહાસિક બની રહ્યા છે. આજથી 4 મહિના પૂર્વે 500 રૂપિયા પ્રતિ કિલો વેચાયેલું લસણ અત્યારે 50 થી 100 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે. લસણના બજાર ભાવોમાં જોવા મળતી ઐતિહાસિક તેજી અને ઐતિહાસિક મંદીનું સાક્ષી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ પણ બની રહ્યું છે. આજના દિવસે લસણના ઓછા ભાવ 50 થી લઈને વધુ ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોએ જાહેર હરાજી થઈ છે. વધતા લસણના બજાર ભાવોમાં વધુ ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ પણ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
લસણ ઐતિહાસિક તેજીથી ઐતિહાસિક મંદી તરફ: લસણના બજાર ભાવ આ વર્ષે તમામ પ્રકારના ઐતિહાસિક સ્તરો કુદાવતા જોવા મળી રહ્યા છે. આજથી 4-5 મહિના પૂર્વે અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય જોવા ન મળેલી તેજી લસણમાં જોવા મળતી હતી. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજથી ચાર મહિના પૂર્વે જથ્થાબંધ બજારમાં પ્રતિ એક કિલો લસણનો ભાવ રૂપિયા 500 ની આસપાસ જોવા મળ્યો હતો. જે છેલ્લા એક દશકમાં સૌથી વધારે ભાવો નોંધાયા હતા.
તેવી જ રીતે હવે લસણની બજાર ઐતિહાસિક મંદી તરફ પણ આગળ ધપી રહી છે. આજના દિવસે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પ્રતિ એક કિલો લસણ નીચામાં 50 થી લઈને ઉંચામાં 100 રૂપિયા સુધીના બજાર ભાવે જાહેર હરાજી થઈ રહી છે. લસણની આવક સતત વધી રહી છે જેને પગલે આગામી દિવસોમાં હજુ પણ બજાર ભાવ ઘટે તેવી શક્યતાઓ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
મધ્યપ્રદેશ અને ઉંટી તરફથી આવક: હાલ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મધ્યપ્રદેશ અને ઉંટી તરફના પરપ્રાતીય લસણની આવક થઈ રહી છે. જેને કારણે બજાર ભાવ દબાઈ રહ્યા છે. ભાવો દબાવા પાછળનું એક કારણ નવા લસણની આવક સતત વધી રહી છે જેને કારણે સ્ટોકિષ્ટો પાસે જે જૂનું લસણ છે તેનો સ્ટોક બજારમાં ઠલવાઈ રહ્યો છે. જેથી પણ બજાર ભાવ ખૂબ ઝડપથી ઘટી રહ્યા છે.
જોકે મધ્યપ્રદેશ અને ઉંટી તરફનું લસણ સ્ટોકિષ્ટો વર્ષ દરમિયાન સાચવી રખાવા માટે સારું માનતા નથી જેથી નવા લસણ બજારમાં ઠલવાઈ રહ્યા છે. તેની સામે જૂનું લસણ પણ સ્ટોકિષ્ટો દ્વારા બજારમાં વેચાણ અર્થે મુકવામાં આવે છે. બંને તરફની આવકને કારણે લસણના બજાર ભાવો સતત દબાઈ રહ્યા છે. હજુ પણ સ્થાનિક વિસ્તારનું દેશી લસણ કે જે સૌરાષ્ટ્રમાં ખેડૂતો વાવેતર કરે છે તેની પણ 15 દિવસ બાદ ખૂબ મોટા પ્રમાણમાં આવક તમામ માર્કેટિંગ યાર્ડમાં થશે. પરિણામે લસણના બજાર ભાવ વધુ નીચા ઉતરી શકે છે.
ચાર મહિના પૂર્વે 20 કિલો લસણના 6000 ભાવો: આજથી ત્રણ ચાર મહિના પૂર્વે 20 કિલો લસણના બજાર ભાવ 6,000 ની આસપાસ જોવા મળ્યા હતા. જે આ વખતે 2000 ની આસપાસ 4 મહિના બાદ જોવા મળે છે. જેને કારણે પણ બજારભાવો દબાઈ રહ્યા છે. આ વર્ષે લસણનું ઉત્પાદન પણ ખૂબ સારું જોવા મળે છે જેની નકારાત્મક અસર જૂના લસણની બજાર પર પડી રહી છે.
વધુમાં સૌરાષ્ટ્રના દેશી અને સ્થાનિક લસણની આવક માર્કેટિંગ યાર્ડમાં થશે ત્યારબાદ પણ લસણના બજાર ભાવોમાં સ્પર્ધાત્મક ઘટાડો થઈ શકે છે. એક અંદાજ મુજબ આગામી 15 કે 20 દિવસની અંદર દેશી લસણની જથ્થાબંધ બજાર નીચામાં 500 થી લઈને ઓછામાં 1800 થી 2000 રૂપિયા સુધી પ્રતિ 20 kg એ રહેવાની ધારણા જૂનાગઢના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો: