સુરત: સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મિમેર હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઇ છે. સુરત જિલ્લાના કીમ વિસ્તારના 65 વર્ષીય મનસુખભાઈ ટેલરને ખેંચ આવતા તેમને રાત્રે સ્મિમેર હોસ્પિટલના મેડિસિન વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવારના બીજા દિવસની રાત્રે દર્દીને કોઈ સારવાર આપવામાં ન આવી હોવાનો પરિવારે ગંભીર આક્ષેપ કર્યો છે.
ડોક્ટર અને દર્દીના પરિજનો વચ્ચે બોલાચાલી
વોર્ડ નંબર 5Aમાં હાજર મહિલા રેસિડેન્ટ ડોક્ટર સાથે પરિવારની બોલાચાલી થઈ હતી. વીડિયોમાં મહિલા કહી રહી છે કે, દર્દીને 12 વાગ્યાથી ખેંચ આવે છે. છતાં કોઈ પ્રકારની ટ્રિટમેન્ટ કરાઈ નથી. ત્યારે મહિલા ડોક્ટર જવાબ આપે છે કે, દર્દી દારૂ પીતા હતા અને તેમને દારૂ નથી મળ્યો એટલે ખેંચ આવી રહી છે. દર્દીના પરિજનો અને ડોક્ટર વચ્ચે ખૂબ બોલાચાલી થતી વીડિયોમાં જોવા મળી રહી છે.
દર્દીનાં પરિવારજનો દ્વારા વીડિયો બનાવવામાં આવતો હોવાથી મોબાઇલ પણ ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દર્દી સાથે તબીબો દ્વારા કરાયેલા આ પ્રકારના વર્તનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. મેડિસિન વિભાગમાં થયેલા આ વિવાદની જાણ સુપ્રિટેન્ડેન્ટ સુધી પહોંચી ગઈ હતી. જેને પગલે આ મામલે કમિટી બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે.
સ્મિમેર સુપ્રિટેન્ડેન્ટે તપાસની આપી ખાતરી
સ્મિમેર હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. જિતેન્દ્ર દર્શને જણાવ્યું કે, આ મામલે તપાસ કમિટી બનાવવામાં આવશે. તેમણે સ્પષ્ટતા કરી કે દર્દી પહેલેથી જ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા અને સારવાર દરમિયાન ખેંચના લક્ષણો જોવા મળતા હોય છે. તપાસ બાદ જવાબદાર વ્યક્તિઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને હોસ્પિટલમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ચલાવવામાં નહીં આવે તેવી ખાતરી આપી છે.
આ પણ વાંચો: