અમદાવાદઃ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ભારત સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે ગોવાના 100 વર્ષીય સ્વાતંત્ર્ય સેનાની લિબિયા લોબો સરદેસાઈ, મધ્યપ્રદેશના ઉદ્યોગસાહસિક સેલી હોલકર, મરાઠી લેખક મારુતિ ભુજંગરાવ ચિતમપલ્લી, પશ્ચિમ બંગાળના ધક ખેલાડી ગોકુલ ચંદ્ર દાસ સહિત 30 વ્યક્તિઓને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઉપરાંત આ સાથે ગુજરાતના મહાનુભાવનો પણ પદ્મ શ્રી એવોર્ડમાં સમાવેશ કરાયો છે. ગુજરાતના કુલ 9 મહાનુભાવોને પદ્મ એવોર્ડ મળ્યા છે જેમાં 1 પદ્મ વિભુષણ, 1 પદ્મ ભુષણ અને 7 પદ્મશ્રી એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે.
ગુજરાતના સાબરકાંઠામાં રહેતા સુરેશભાઈ સોની, સુરેન્દ્રનગરના લવજીભાઈ પરમાર, ને પણ પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે. તો આવો જાણીએ થોડું તેમના વિશે. લવજીભાઈની વાત કરીએ તો લવજીભાઈ 4 દાયકાથી 700 વર્ષ જુની ટેકનીક ટાંગલિયા હાથવણાટને આગળ વધારવાને લઈને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. આવી લુપ્ત થતી ટેકનીકના તેમણે ભારતભરમાં એક્ઝિબિશનથી લઈ વેપારીઓ સાથે સંકલન સહિત ઘણા કામો કરીને તેને આગળ ધપાવવાનું કાર્ય કરું છે.
બીજી બાજુ સુરેશભાઈની વાત કરીએ તો, સામાજિક કાર્યકર સુરેશભાઈ સોનીએ તેમનું જીવન કુષ્ટ રોગના દર્દીઓ માટે સમર્પિત કર્યું છે. તેમણે તેમના જીવનના 36 વર્ષ કુષ્ટ રોગના દર્દીઓ માટે કામ કર્યું છે. તેમણે 1988માં સહયોગ કુષ્ટ યજ્ઞ ટ્રસ્ટનું નિર્માણ કર્યું, સહયોગ નામના ગામનું પણ નિર્માણ કર્યું કે જ્યાં કુષ્ટ રોગના દર્દીઓ માટે આશરો અપાય છે. હાલમાં સહયોગ ગામમાં ઘણા દર્દીઓ છે, અહીં સુધી કે ત્યાં ચૂંટણી બુધ, પ્રાઈમરી સ્કૂલ અને ગ્રોસરી શોપ સહિતની સુવિધાઓ તો છે જ, સાથે ત્યાં તેમની સાર સંભાળ પણ રખાય છે.
આ ઉપરાંત ગુજરાતના કુમુદીની લાખિયાને કલા માટે પદ્મ વિભુષણ મળ્યું છે. ગુજરાતના પંકજ પટેલને ટ્રેડ અને ઈન્ડસ્ટ્રી માટેને પદ્મ ભુષણ એવોર્ડ આપવામાં આવ્યો છે. સાહિત્ય અને શિક્ષણને લઈને ચંદ્રકાંત શેઠને મરણોત્તર પદ્મશ્રી, અન્ય આર્કિટેક્ચર માટે ચંદ્રકાંત સોમપુરા, રતન કુમાર પરિમુને કલા ક્ષેત્રની કામગીરીને લઈને, સુરેશ હિરાલાલ સોનીને સામાજીક કામને લઈને, તુષાર દુર્ગેશભાઈ શુક્લને સાહિત્ય અને શિક્ષણની કામગીરીને લઈને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.