સુરતના વરાછા વિસ્તારમાં આવેલ બ્લ્યુસ્ટાર ડાયમંડ પેઢી કાચી પડતા માલિક દ્વારા આશરે 40 જેટલા રત્ન-કલાકારોને છુટા કરી દેતા રોજગારીનો મોટો પ્રશ્ન ઉભો થયો છે. છુટા કરાયેલા રત્ન-કલાકારો આજ રોજ રજૂઆત લઈ સુરત રત્ન-કલાકાર સંઘની ઓફિસે પહોંચ્યા હતા. જ્યાં રત્ન-સંઘના પ્રમુખે ડાયમંડ પેઢીના માલિક જોડે ટેલિફોનિક વાતચીત કરી હતી. માલિક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હાલ ધંધામાં આર્થિક રીતે નુકસાન જતું હોય અને કામ પણ ન મળતું હોવાથી તમામને છુટા કરવામાં આવ્યા છે. જ્યાં બાદમાં સ્થિતિ સુધારા પર આવ્યા બાદ તમામને નોકરી પર પરત બોલાવી લેવામાં આવશે.
આ ઉપરાંત કારીગરોનો બાકી પગાર ત્રણ દિવસની મુદત દરમ્યાન 15% કાપી ચૂકવી દેવામાં આવશે. માલિકની આ વાતને લઈ રત્નકલાકાર સંઘ દ્વારા સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો પગાર નહીં ચુકવવામાં આવે તો ધરણા યોજી કારીગરોના હક માટેની લડાઈ લડવામાં આવશે.