સુરતઃ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન થયો છે. સુરત જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે. ભારે વરસાદના પગલે સુરત જિલ્લાના ચેકડેમો ઓવરફ્લો થઇ ચુક્યા છે, ત્યારે ભારે વરસાદના કારણે મુંજલાવ ગામે વાવ્યા ખાડી પર આવેલો લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.
માંડવી, બારડોલી, ઉશ્કેર, બોધાન, મુંજલાવ અને બારડોલીને જોડતા બ્રિજ પરથી હાલ પાણી પસાર થઇ રહ્યું છે. બારડોલીથી માંડવી અને માંડવીથી બારડોલી આવતા લોકો માટે આ બ્રિજ મહત્વનો છે. આ બ્રિજ પર પાણી ફરી વળતા લોકોએ લાંબો ફેરાવો ફરીને માંડવી અથવા તો બારડોલી જવું પડે છે. આ બ્રિજ પરથી દરરોજ હજારો લોકો અવર જવર કરે છે. જેથી કોઈ અકસ્માત સર્જાય નહીં તેની તકેદારીના ભાગ રૂપે આ બ્રિજ પાસે જી.આર.ડી જવાનને તૈનાત કરી દેવામાં આવ્યા છે.
દર વર્ષે વરસાદ થતા આ લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઇ જતો હોય છે. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવતી હોવા છતાં પણ કોઈ તેમની વાત સાંભળતું નથી. મુંજલાવ ગામના લોકો માટે આ માર્ગ બારડોલી જવા માટે મહત્વનો માર્ગ છે અને કોઈ મેડિકલ ઈમરજન્સી હોય તો આ બ્રિજ માર્ગે બારડોલી હોસ્પિટલમાં તેઓને જવું પડે છે. આ બ્રિજ પર પાણી ભરાઈ જવાથી તેઓને હવે 50 કિલોમીટરનો ફેરાવો ફરીને બારડોલી જવાનો વારો આવે છે. જેથી ગ્રામજનો માગ કરી રહ્યાં છે કે, લો-લેવલ પૂલની જગ્યા પર નવો બેરલ બ્રિજ બનવવામાં આવે, જેથી વર્ષો જૂની ગ્રામજનોની સમસ્યાનો અંત આવે.
હાલ તો કોઈ અકસ્માત ન સર્જાય તે માટે તંત્ર એલર્ટ બન્યું છે. માંડવી પ્રાંત અધિકારી અને પોલીસ દ્વારા આ લો-લેવલ બ્રિજની મુલાકાત લેવામાં આવી હતી અને ત્યારબાદ તકેદારીના ભાગ રૂપે જી.આર.ડી જવાનને તૈનાત કરી જ્યાં સુધી પાણી ઉતરે નહીં ત્યાં સુધી આ બ્રિજ પરથી કોઈને પણ પસાર થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.