સુરત : માંડવી તાલુકાના અમલસાડી ગામે હળપતિ મહોલ્લામાં દીપડાએ આતંક મચાવ્યો હતો. અવારનવાર દીપડો મરઘાનો શિકાર કરતો હતો. આથી ગામ અગ્રણીઓએ માંડવી વનવિભાગને દીપડાની અવર જવર અને જોખમની જાણકારી આપી હતી. માંડવી વન વિભાગે તાકિદે જીતુભાઈ ખુશાલભાઈના ઘરની પાછળના ભાગે મારણ સાથે પાંજરુ ગોઠવ્યું હતું.
દીપડો પાંજરે પુરાયો : મારણ ખાવાની લાહ્યમાં આજરોજ દીપડો આબાદ પાંજરે પુરાયો હતો. દીપડો પાંજરે પુરાયાના સમાચાર સમગ્ર પંથકમાં વાયુવેગે પ્રસરી ગયા હતા. આથી દીપડાને જોવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાં. વનવિભાગે પાંજરે પુરાયેલા દીપડાનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં દીપડો આંટાફેરા મારતો હોવાની ફરિયાદો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી હતી. જેને પગલે વન વિભાગની ટીમે દીપડાને પકડવા પાંજરૂ ગોઠવી દીધું હતું. ત્યારે મારણની લાલચે દીપડો પાંજરે પુરાઈ ગયો હતો. દીપડાને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો છે.-- વંદાભાઈ (અધિકારી, માંડવી વન વિભાગ)
માનવ વસાહતમાં હુમલો : થોડા દિવસ અગાઉ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના અંત્રોલી ગામના સરપંચ જયેશ સોલંકીના ઘરમાં દીપડાએ હુમલો કર્યો હતો. ગત 29 જુલાઈની રાત્રે 12:00 વાગ્યા આસપાસ ખૂંખાર દીપડો માનવ વસાહતમાં આવ્યો હતો. તેણે ઘરના વાડામાં સાંકળથી બાંધેલ પાળતુ શ્વાનનો શિકાર કરવાની કોશિશ કરી હતી. જોકે, સદનસીબે શ્વાનના ગળામાં બેલ્ટ હોવાથી દીપડો શિકાર કરી શક્યો ન હતો.
ઘરમાં ઘૂસી આવ્યો : આ અંગે ગામના સરપંચ જયેશ સોલંકીએ જણાવ્યું હતું કે, મોડી રાત્રે દીપડો આવ્યો હતો અને અમારા શ્વાન પર હુમલો કર્યો હતો. શ્વાનના ગળામાં બેલ્ટ હોવાથી શ્વાનનો બચાવ થયો છે. શ્વાનના ગાળાના ભાગે નાની ઈજાઓ થઈ છે. શ્વાન જોર જોરથી ભસવા લાગતા પરિવાર જાગી ગયો હતો. જેના કારણે દીપડાને મોઢામાં આવેલ શિકાર છોડી ભાગી જવાની ફરજ પડી હતી. અમે સમગ્ર ઘટનાની જાણ કામરેજ વન વિભાગની ટીમને કરી હતી. વન વિભાગની ટીમ પાંજરું ગોઠવ્યું હતું.