- સુરતમાં એસડીએમ અને મામલતદાર સહિતના અધિકારીઓએ રસી મુકાવી
- પોલીસકર્મીઓમાં પણ રસીને લઈ ઉત્સાહ જોવા મળ્યો
- અત્યાર સુધીમાં બારડોલીમાં કુલ 998 લાભાર્થીઓ રસી મુકાવી
બારડોલી: બારડોલી ખાતે બીજા તબક્કાનું રસીકરણ યોજાયું હતું. આમાં આરોગ્ય વિભાગ સિવાયના અન્ય કોરોના ફ્રન્ટ લાઈનર્સ એવા સરકારી અધિકારીઓ અને પોલીસકર્મીઓને રસી મુકવામાં આવી હતી. કુલ 78 લાભાર્થીઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
બીજા તબક્કાના અભિયાનમાં સરકારી કર્મચારીઓએ મુકાવી રસી
બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા બીજા તબક્કાના રસીકરણ અભિયાનમાં બારડોલી એસડીએમ વી.એન. રબારી, મામલતદાર જિજ્ઞા પરમાર સહિતના તાલુકા સેવા સદન અને તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓએ કોરોના વિરોધી રસી મુકાવી હતી.
બારડોલી પોલીસ જવાનોએ પણ રસી મુકાવવામાં ઉત્સાહ દર્શાવ્યો હતો. બારડોલી પોલીસ મથકના અધિકારીઓ સહિત કર્મચારીઓએ રસી મુકાવી રસીકરણ અભિયાનને વેગ આપ્યો હતો.
કડોદ અને બારડોલીમાં મળી 78 લાભાર્થીઓને રસી અપાય
તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. હેતલ ચૌધરીના જણાવ્યા અનુસાર, તાલુકામાં કુલ 78 લાભાર્થીઓને રસી આપવામાં આવી હતી. આ પૈકી બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલ ખાતે 67 અને કડોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 11 લાભાર્થીઓએ રસી મૂકાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બારડોલી તાલુકામાં અત્યાર સુધીમાં યોજાયેલા દસ સેશનમાં 998 લાભાર્થીઓ રસી મુકાવી ચૂક્યા છે.