ગોડસે અંગે ભોપાલથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે આપેલા વિવાદીત નિવેદન બાદ સુરતમાં લિંબાયત ખાતે અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા ગોડસેની 109મી જન્મ જયંતિની ઉજવણી કરતા નવો વિવાદ ઉભો થયો છે. આજે આ ઘટનામાં અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પ્રદેશ મંત્રી હિરેન મશરુને સુરત પોલીસ જવાબ લખવા માટે લઈ ગઈ હતી.
પરંતુ પોલીસ પાસે જતા પહેલા તેણે મીડિયા સાથે વાતચીત કરતા પોતાની કરતુતને યોગ્ય ઠેરવી છે. તેણે જણાવ્યું હતુ કે ગોડસે તેના ગુરુ છે જ્યારે મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા નથી. તેણે વધુમાં કહ્યું હતુ કે તેણે ગોડસેની જન્મ જયંતિ ઉજવી કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન કર્યુ નથી. ઉપરાંત તેણે ફરી વિવાદીત નિવેદન આપતા કહ્યું હતુ કે, ગોડસેએ ગાંધીની હત્યા નહીં પરંતુ રાષ્ટ્રહિતમાં વધ કર્યો હતા, રાવણ પણ મહાન હોવા છતાં તેની એક ભૂલના કારણે ભગવાન રામે તેનો રાવણનો વધ કર્યો હતો. આ પ્રકારનું નિવેદન આપી ફરી એક વાર હિન્દુ મહાસભાના પ્રધાન દ્વારા વિવાદ ઉભો કરવામાં આવ્યો છે.
19 મેના રોજ તેણે ગોડસેની 109મી જન્મ જયંતિના રોજ લિંબાયત ખાતે 109 દીવા પ્રગટાવી અને 109 લાડુનો પ્રસાદ ધરાવી ગાંધી હત્યારાની જન્મ જયંતિની ઉજવણી કરી હતી. ગુજરાતની અસ્મિતા અને ગાંધીપ્રેમીઓને ઠેસ પહોંચાડ્યા બાદ પણ હિન્દુ મહાસભાના મંત્રી પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નથી.