કન્સ્ટ્રક્શનના વેપારી શીતલ ભાઈના ઘરે આશરે સવા છ ફૂટની હનુમાનદાદાની પ્રતિમા છે. આમ તો હનુમાન દાદાને ભગવાન શિવનું રુદ્ર સ્વરૂપ કહેવામાં આવે છે અને તેમના આ રુદ્ર સ્વરૂપની પ્રતિકૃતિ શીતલભાઈના ઘરે હનુમાન દાદાની વિશાળ પ્રતિમા થકી જોઈ શકાય છે. સુરતમાં કન્સ્ટ્રકશન વ્યવસાય કરતા શીતલભાઈ હનુમાન દાદાના પરમ ભક્ત છે. પોતાની ભક્તિ અને શ્રદ્ધા મુજબ તેઓએ વિચાર કર્યો કે, હનુમાન દાદાની એક ભવ્ય મૂર્તિ તેઓ બનાવે. મૂર્તિ કેવી હશે તે અંગે ખૂબ જ મથામણ પણ કરવામાં આવી હતી. ઇન્ટરનેટથી લઈ દેશ-વિદેશમાં સ્થાપિત હનુમાન દાદાની મૂર્તિઓની સમીક્ષા પણ કરાવી. પરંતુ અચાનક insta પર હનુમાન દાદાના રુદ્ર સ્વરૂપની તસ્વીર તેમને ખૂબ જ ગમી અને છ મહિનાની મથામણ બાદ આખરે આ મૂર્તિ બનાવવાનો નિર્ણય કર્યો હતો.
જ્યારે હનુમાન દાદાની આ પ્રતિમા ભક્તો જુએ છે, ત્યારે ઊર્જા અને સકારાત્મક ભાવની અનુભૂતિ તેમને થાય છે. રાજસ્થાનના કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી આ પ્રતિમાની ખાસિયત એ છે કે આ સવા છ ફૂટ ઊંચી અને વિડવુડથી તૈયાર કરવામાં આવી છે. જેની પર 60 કિલો ચાંદી સહીત 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ છે. નિયમિત હનુમાન દાદાની આ પ્રતિમાની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ પ્રતિમા જોઈને હનુમાન ભક્તોમાં ભક્તિનો સંચાર થવા લાગે છે. શીતલભાઈએ જણાવ્યું કે, તેમના ઘરે કોઈપણ હનુમાન ભક્ત આવીને હનુમાન દાદાની આ પ્રતિમાના દર્શન કરે છે. એટલું જ નહી જે પણ ભક્તો હનુમાન દાદાની આ પ્રતિમા પાસે માનતા માને છે તે પૂર્ણ પણ થઈ જાય છે.
હનુમાન ભક્તો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ અને શ્રદ્ધાનો છે. ત્યારે સુરતમાં રહેતા શીતલભાઈની હનુમાન દાદા પ્રત્યે લાગણી, પ્રેમ અને ભક્તિએ વિશ્વની એક એવા હનુમાન દાદાની પ્રતિમા બનાવી દીધી છે, જે ક્યાંય પણ જોવા મળતી નથી.