સુરત: કામરેજનાં વિહાણ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ શિલ્પા પ્રજાપતિ વિરુદ્ધ કામરેજ પોલીસ મથક ખાતે કામરેજ તાલુકા વિકાસ અધિકારી સચિન પટેલે ફરિયાદ આપતા સમગ્ર કામરેજ તાલુકામાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, તેઓ અનુસૂચિત આદિજાતિનું બોગસ પ્રમાણપત્ર આપી વિહાણ ગ્રામ પંચાયતના સરપંચ બન્યા હતા.
શિલ્પા રાઠોડ (પ્રજાપતિ) એ વર્ષ 2021માં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે ઉમેદવારી નોંધાવી હતી. તેઓએ પોતે ગુજરાત અનુસૂચિત આદિજાતિ જ્ઞાતિમાં આવે છે તેવું કહીને અનુસૂચિત આદિજાતિનું પ્રમાણપત્ર પણ મૂક્યું હતું.
અનુસૂચિત આદિજાતિનું બોગસ પ્રમાણપત્ર: યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ પર તેઓની જીત થતા તેઓ ગ્રામ પંચાયતના સરપંચ બન્યા હતા. જોકે ગામના નિલેશ રાઠોડ નામના વ્યક્તિએ આ બાબતે વાંધો ઉઠાવી શિલ્પાબેને અનુસૂચિત આદિજાતિનું બોગસ પ્રમાણપત્ર મૂક્યું છે તેવી ફરિયાદ કરી હતી. આ મુદ્દે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં લાંબી તપાસ દરમિયાન હાલ શિલ્પાબેને બોગસ જાતિ પ્રમાણપત્ર બનાવ્યું હોવાનું સામે આવતા તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે.
ઉપરાંત શિલ્પાબેનને ગેરલાયક ઠેરવી સરપંચ પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ કામરેજ તાલુકા વિકાસ અધિકારી સચિન પટેલે આ સમગ્ર બાબતે કામરેજ પોલીસ મથક ખાતે મહિલા સરપંચ વિરુદ્ધ ફરિયાદ આપતા સરકાર સાથે છેતરપિંડી કરવા બદલ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
શિલ્પાબેને કઇ રીતે અસલી જેવું જ નકલી જાતિ પ્રમાણપત્ર બનાવ્યું ? કોણે મદદ કરી ? કેટલા લોકોએ આ પ્રકારના બોગસ પ્રમાણપત્ર બનાવ્યા છે ? આ દિશામાં ઊંડાણ પૂર્વક તપાસ થાય એ હાલ ખૂબ જ જરૂરી બન્યું છે.
આ પણ વાંચો: