વલસાડ: જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં અવાર નવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે. આ ચોરો ઘર તો ઠીક પણ મંદીરમાંથી પણ ચોરી કરવાનું નથી ચૂકતા ત્યારે આવી જ એક ચોરીની ઘટના વલસાડ જિલ્લાના વાપીમાં ચલા ખાતે આવેલા એક જૈન ઉપાશ્રયમાં બની હતી. ત્યારે આ ચોરીની ઘટનામાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરીને મુદ્દામાલ જપ્ત કર્યો અને આ 3 આરોપીઓ સિવાય અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો.
3 ચોરો લાખોનો મુદ્દામાલ ચોરી ગયા: વલસાડ જિલ્લા એસપી ડો. કરણરાજ વાઘેલા દ્વારા આપવામાં આવેલી વિગત મુજબ વાપી નગરના ચલા મુક્તાનંદ માર્ગ ઉપર આવેલા સર્વહિત કારક જૈન સંઘના ઉપાશ્રયમાં તા. 28 ડિસેમ્બર 2024ના રોજ 3 ચોરોએ ઉપાશ્રયની પાછળ આવેલા દરવાજાનો અડાગરો ખોલી ઉપાશ્રયમાં પ્રવેશીને રૂમના દરવાજાના લોક તોડી નાખ્યા હતા. ત્યારબાદ આ 3 ચોરોએ રૂમમાં પ્રવેશ કરીને કબાટમાં રહેલા સોનાના 30 તોલા દાગીના કિંમત 20,40,000 તેમજ દોઢ કિલો ચાંદીના દાગીના કિંમત રૂપિયા1,35,000, રોકડ રૂપિયા 2,30,000, ગુરૂપુજન પેટી અને દાનપેટીમાં રહેલા 4500 રોકડા, ઉપાશ્રયની પાછળના ભાગે લાગેલા કેમેરા નંગ 1 જેની કિંમત 4000 રૂપિયા કુલ રૂપિયા 24,13,500ના મુદ્દામાલની ચોરી કરી હતી.
વાપી પોલીસે નોંધ્યો ગુનો: આ ચોરીની ઘટના અંગે વાપી ટાઉન પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પોલીસે અન્ય ત્રણ ચોરીના ગુના નોંધતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ચોરી અંગે પોલીસે કબ્રસ્તાન રોડ અને ચલા સ્કૂલ ફળીયા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. જેમાં પોલીસે ચોરીમાં સંડોવાયેલા 3 આરોપીઓ રાહુલ રવિન્દ્ર સિરસાઠ, અજય ઉર્ફે બાંડીયા રવિ દગડુ, અને શિવા રામુ વાસોનીયાની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ કરી હતી. જેમાંથી પોલીસે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો.
વાપીમાં 7 જગ્યાએ કરી ચોરી: વોન્ટેડ આરોપી ગૌતમ ભાનુદાસ ખરાત સાથે મળીને 3 પકડાયેલા આરોપીઓએ વાપી વિસ્તારમાં આવેલા જગનપાર્ક, મોહિતબંગલો, ગુરુકૃપા રોડ ઉપર આવેલા બંધ બંગલાઓમાં અને ચલા ખાતે આવેલા ઉપાશ્રયમાં પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જે બાદ પોલીસે તેમની પાસેથી ચોરીના મુદ્દામાલમાં 6 મોબાઈલ ફોન તેમજ સોનાચાંદીના દાગીના સહીત કુલ રૂપિયા 26,26,280નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આરોપીને પકડવા પોલીસે ટીમો બનાવી: વાપી પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે કુલ 20થી વધુ ટીમોને ગોઠવી દીધી હતી. ત્યારબાદ 100થી વધારે CCTV કેમેરા પણ ચેક કર્યા હતા. જે બાદ પોલીસે અન્ય 3 ચોરીના ગુનામાં 7 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો હતો. તેમજ શિયાળા દરમિયાન વાપીમાં ચોરીની ઘટનાઓ વધી રહી હોવાનું પણ સામે આવ્યું છે.
ત્રણે આરોપીઓ સામે અગાઉ પણ ગુના નોંધાયા: પકડાયેલા આરોપીઓ પૈકી રાહુલ રવિન્દ્ર સિરસાઠ સામે સુરતમાં 4 ગુનાઓ, અજય ઉર્ફે બાંડિયા રવિ દગડુ સામે 3 ગુનાઓ અને શિવા રામુ વાસોનિયા સામે 3 ચોરીના ગુનાઓ અગાઉ ભૂતકાળમાં નોધાયેલા છે. આ પકડાયેલા 3 આરોપીઓ રીઢા ગુનેગાર હોય અને સમયાંતરે આવી ચોરીની ઘટનાઓને અંજામ આપતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. આમ વલસાડ પોલીસે જૈન ઉપાશ્રય સહિત વાપીમાં અન્ય ચોરીના ગુના પણ ઉકેલી નાખ્યા છે.
આ પણ વાંચો: