સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ગતરોજ સુરત શહેરમાં ધીમીધારે વરસાદ નોંધાયો હતો. મંગળવારે વહેલીસવારે ચાર વાગ્યાથી સુરત શહેરમાં મેઘરાજાનું જોર વધુ જોવા મળ્યું હતું. જેના કારણે નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા છે. ખાસ કરીને અંડરપાસ અને ગરનાળાઓમા વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોએ હાલાકી વેઠવી પડી રહી છે..છેલ્લા બે દિવસથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી દેખા દેતા ખેડૂત આલમમાં પણ ખુશ- ખુશાલ થયા છે.
આ સાથે જ ઉકાઇના કેચમેન્ટ એરિયા અને ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. ત્યારે સુરતના સૂર્યપુત્રી તાપી નદીમાં પણ પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. સુરત અને ઓલપાડ તાલુકામાં છેલ્લા છ કલાકની અંદર જ એક- એક ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચુક્યો છે.
બીજીતરફ વડોદરા શહેરમાં મેઘરાજાએ પુનઃ પધરામણી કરી છે. વડોદરા શહેર તેમજ જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ફરી મુશ્કેલીમાં મુકાયા છે. નદી કાંઠા વિસ્તારમાં રહેતા લોકોની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં છેલ્લા દસ દિવસથી વાતાવરણ ખુશનુમા રહ્યુ હતું અને સાથે સાથે ગરમીમાં પણ વધારો થયો હતો. મેઘરાજાના લાંબા વિરામ બાદ ગઇકાલથી ફરી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળો ઘેરાવાનું શરૂ થયું હતું. મંગળવારે સવારથી જ વરસાદ શરૂ થયો હતો. જેના પગલે બે દિવસ બાદ શરૂ થયેલી શાળામાં જતાં વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગ પણ વરસાદને પગલે અટવાયા હતા. જો કે, સવારથી વરસી રહેલા વરસાદને પગલે શહેરની એસએસજી હોસ્પિટલ સહિત નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હોવાના અહેવાલ સામે આવ્યા હતા. અહીં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો હતો.