જૂનાગઢ: વર્ષ 2012થી તાલાલા ખાતે આવેલ ખાંડસરી ઉદ્યોગ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આ વિસ્તારમાં શેરડીની ખેતીને ધ્યાન રાખીને ફરીથી ખાંડસરી ઉદ્યોગ સક્રિય થાય તે માટેના દ્વાર ખુલતા જોવા મળી રહ્યા છે. ફેક્ટરીના ડિરેકટર્સની બેઠકમાં ફેક્ટરીને ઇન્ડિયન પોટાશ લિમિટેડને 30 વર્ષ માટે ભાડા પટે આપીને ફરીથી ખાંડસરી ઉદ્યોગ ધમધમતો થાય તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે.
વર્ષ 2025માં તાલાલા ખાંડસરી ઉદ્યોગ શરૂ: તાલાલામાં આવેલું અને વર્ષ 2012થી બંધ હાલતમાં રહેલો ખાંડસરી ઉદ્યોગ ફરીથી એક વખત ધમધમતો થાય તે માટેના પ્રયાસો શરુ કરવામાં આવી રહ્યા છે. ખાંડસરી ઉદ્યોગના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની એક બેઠકમાં ઉદ્યોગ ફરીથી ધમધમતો થાય તે માટે ઠરાવ કરવામાં આવ્યો હતો. ખાંડસરી ઉદ્યોગનું સંચાલન 30 વર્ષ માટે ઇન્ડિયન પોટાશ લિમિટેડને ભાડાપટ્ટે આપવાનો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે. આગામી 15 દિવસમાં ખાંડસરી ઉદ્યોગના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને ઇન્ડિયન પોટાશ લિમિટેડ વચ્ચે કરારપત્ર થયા બાદ ફરી એક વખત આધુનિક મશીનરી સાથે ખાંડસરી ઉદ્યોગ ધમધમતો થશે.
ઉદ્યોગ શરુ થતા શેરડીની ખેતીને પ્રોત્સાહન: આ વિસ્તારમાં પાછલા ઘણા વર્ષોથી કેરીની સાથે પારંપરિક રીતે શેરડીની ખેતી પણ થતી આવતી હતી. ખાંડસરી ઉદ્યોગ બંધ થતા શેરડીની ખેતી છોડીને ખેડૂતો અન્ય ખેતી તરફ આગળ વળ્યા છે, ત્યારે ફરી એક વખત ખાંડસરી ઉદ્યોગ શરૂ થતા આ વિસ્તારમાં શેરડીની ખેતીને પ્રોત્સાહન મળશે અને અહીંથી ઉત્પાદિત થયેલી ખાંડ દેશના અન્ય રાજ્યોમાં જશે તે પ્રકારના વાતાવરણનું સર્જન થયું છે. તમામ કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થયા બાદ ડિસેમ્બર 2025 થી આધુનિક મશીનરી સાથેનો ખાંડસરી ઉદ્યોગ તાલાલામાં કાર્યરત થાય તેવા ઉજળા સંજોગો પણ નિર્માણ પામ્યા છે.
ખાંડસરી ઉદ્યોગનું લેણું ઇન્ડિયન પોટાશ ભરશે: વર્ષ 2012માં તાલાલા ખાંડસરી ઉદ્યોગ બંધ થયો, ત્યારે તેના પર જૂનાગઢ જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કનો 65 થી 70 કરોડ રૂપિયાનો ઋણ પણ જોવા મળે છે. ઋણ સાથે ઇન્ડિયન પોટાશ લિમિટેડ તાલાલા ખાંડસરી ઉદ્યોગને આગામી 30 વર્ષના ભાડાપટે લેવા જઈ રહી છે. ઇન્ડિયન પોટાશ લિમિટેડ પાસે ખાતર ઉત્પાદન કરવાનો બહોળો અનુભવ છે.. પરંતુ પાછલા કેટલાક વર્ષોથી ઉત્તર પ્રદેશમાં 6 અને ઓરિસ્સામાં 1 મળીને કુલ 7 ખાંડસરી ઉદ્યોગનું સંચાલન પણ ઇન્ડિયન પોટાશ લિમિટેડ કરી રહ્યું છે.
ખાંડસરી ઉદ્યોગ તાલાલાને 2 કરોડ ચૂકવાશે: થોડા દિવસ પૂર્વે જ કોડીનારની ખાંડસરી ઉદ્યોગ પણ ઇન્ડિયન પોટાશ લિમિટેડને સંચાલન માટે આપવાનો નિર્ણય કરાવ્યો છે. જેમાં હવે તાલાલા સુગર ફેક્ટરીનો પણ સમાવેશ થાય છે. ઇન્ડિયન પટાશ લિમિટેડને માત્ર ખાંડનું ઉત્પાદન અને ફેક્ટરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય ખાડસરી ઉદ્યોગના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સભાસદ મંડળ પણ યથાવત રહેશે અને તેના નિયમો પણ અકબંધ રાખવામાં આવ્યા છે. 30 વર્ષના સંચાલન માટે ઇન્ડિયન પોટાશ લિમિટેડ ખાંડસરી ઉદ્યોગ તાલાલાને પ્રતિ 1 વર્ષના 2 કરોડ રૂપિયા ભાડુ પણ ચૂકવશે.
ઇન્ડિયન પોટાશ લિમિટેડ શેરડીની ખેતીમાં કરશે મદદ: ડિસેમ્બર 2025 માં જ્યારે ખાંડસરી ઉદ્યોગ ફરી શરૂ થશે. તે પૂર્વે આ વિસ્તારના શેરડીની ખેતી સાથે જોડાયેલા પારંપરિક ખેડૂતોને ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપની દ્વારા આધુનિક ઢબે શેરડીની ખેતી ઉન્નત બિયારણ અને તૈયાર થયેલી શેરડીના કટીંગ માટે આધુનિક મશીન વ્યવસ્થાપન ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા આ વિસ્તારના જરૂરિયાતમંદ ખેડૂતોને પૂરી પાડવામાં આવશે. જેના થકી ખૂબ સારી ગુણવત્તાની શેરડીનું ઉત્પાદન થવાની સાથે આધુનિક મશીનરીથી શેરડીનું કટીંગ થતાં સમયસર શેરડી ખાંડસરી ઉદ્યોગમાં પહોંચશે. જેથી સમયનો બચાવ થઈ અને ખેડૂતોને મજુરની અછતની સ્થિતિમાં પાક લેવાની ચિંતા પણ દૂર થશે.
આ પણ વાંચો: