નર્મદા : ભાદરવા દેવ ભાથીજી મંદિર આદિવાસી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. દેવ દિવાળી નિમિત્તે નર્મદાના ભાદરવા ગામમાં ઉત્સવનો માહોલ હોય છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના લાખો આદિવાસી લોકો નાંદોદ તાલુકાની સરહદે સ્થિત 300 ફૂટ ઊંચી ટેકરી પર બિરાજમાન ભાથીજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
કાષ્ટનો ઘોડો અને ભાથીજીના દર્શન : પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરીને લાખો લોકો તાલબદ્ધ ઢોલના તાલે વિવિધ વેશભૂષામાં વાંસ અને કાગળમાંથી બનાવેલ ઘોડોને લટકાવીને અહીં ચાલતા જ આવે છે. આ કાષ્ટનો ઘોડો ભાથીજી મહારાજને અર્પણ કરી માનતા પુરી કરે છે.
ભાથીજી મહારાજની વાયકા : એક માન્યતા પ્રમાણે કાર્તિકી પૂનમે આ ટેકરી પર ભાથીજી મહારાજે ગાયોની રક્ષા કાજે દુશ્મનો સામે લડતા માથું ગુમાવ્યું હતું. ત્રણ દિવસ સુધી ધડ સાથે લડીને ગૌરક્ષા કરી હતી. ત્યારથી જ અહીં દર વર્ષે દેવ દિવાળીના દિવસે મેળો ભરાય છે.
બાધા રાખવાની અનોખી માન્યતા : કાગળ અને વાંસમાંથી બનાવેલ ઘોડો સર્વ સામાન્ય છે. એક માન્યતા છે કે આદિવાસીઓ પોતાના ઘરમાં જો કોઈ બીમાર પડે તો એક બાધા રાખે છે. જેમાં પુરુષો દ્વારા સ્ત્રીનો વેશ ધારણ કરી ભાદરવા દેવના મંદિર સુધી પગપાળા ચાલીને જઈને આ બાધા પૂર્ણ કરવામાં આવે છે.
આદિવાસી સમાજનું આસ્થા કેન્દ્ર : આને આસ્થા કહો કે શ્રદ્ધા પરંતુ આ આદિવાસીઓની દરેક મનોકામના ભાથીજી દાદા પૂર્ણ કરે છે. મોટી સંખ્યામાં ત્રણ રાજ્યના આદિવાસી લોકો પગપાળા સંઘ લઈને નીકળતા તેમના નાચ ગાનને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડે છે. આજે પણ બાધા આખડી રાખી તેને પૂર્ણ કરવા હજારો કિલોમીટર પગે ચાલીને તેમની આસ્થા પૂરી કરે છે.