સુરત: સુરત શહેરમાં ઘણા લોકો એવા છે જેઓ નોકરી ઈચ્છુક છે અને નોકરીની તલાશમાં છે. આવા લોકોને ટાર્ગેટ કરનાર સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ સુરત શહેરના રિંગ રોડ વિસ્તાર ખાતે આવેલા રાજહંસ કોમ્પ્લેક્સમાં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા હતા. આ કોલ સેન્ટરના માધ્યમથી તેઓ સામાન્ય લોકો સાથે ટેલિફોનિક સંપર્ક આપતા હતા અને તેમને વર્ક ફ્રોમ હોમ નોકરી માટેની લાલચ આપતા હતા. નોકરી થકી તેમને રૂપિયા કમાવવા માટેની લોભાવની વાતો કરતા હતા. જે લોકો તેમની વાતોમાં આવી જાય તેમની પાસે એગ્રીમેન્ટ પણ કરાવતા હતા અને આ એગ્રીમેન્ટ કરાવ્યા બાદ તેઓ તેમને બ્લેકમેલ કરી ખોટી રીતે કેસ કરવાની ધમકી પણ આપતા હતા.
ગેરકાયદે કોલ સેન્ટર: આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, જ્યારે લોકો એગ્રીમેન્ટ કરાવી લેતા ત્યારે આરોપીઓ તેમને ખોટી રીતે કેસ કરવાની ધમકી આપતા હતા. ત્યારબાદ બળજબરીથી ભય બતાવીને તેમની પાસેથી રકમ ઓનલાઈન ટ્રાન્જેક્શન કરાવતા હતા. આ લોકો ગેરકાયદે કોલ સેન્ટર ચલાવી રહ્યા હતા. તેમની પાસેથી સાત કમ્પ્યુટર 15 મોબાઇલ ફોન ઇલેક્ટ્રોનિક સાધનો જપ્ત કરાયા છે, જેની કુલ કિંમત 3.39 લાખ રૂપિયા છે.
કોર્ટમાં કેસ કરવાની ધમકી: તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મોહમ્મદ અશરફ પહેલવાન લોકો પાસે ઓનલાઇન ડેટા એન્ટ્રીનું કામ કરાવવા માટે કોન્ટ્રાક્ટ કરાવતો હતો અને ત્યારબાદ લોકોને ધમકી હતો કે કરાર મુજબ તેઓએ સમય મર્યાદામાં ડેટા એન્ટ્રીનું કામ કર્યું નથી અને તેઓએ કોન્ટ્રાક્ટનો ભંગ કર્યો છે. એટલું જ નહીં આરોપી વકીલ મારફતે પણ કોલ કરાવતો હતો અને કોર્ટમાં કેસ કરવાની ધમકી આપતો હતો. પોલીસ અને કોર્ટની ધમકી આપી તેઓ ગ્રાહકો પાસેથી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવતા હતા અને અનેક લોકો સાથે છેતરપિંડી આચરી છે.