કચ્છ: કચ્છમાંથી ફરી દારૂબંધીના ધજાગરા ઉડાવતો વિડિયો સામે આવ્યો છે. તો દારૂ રાખવાનો નવો કીમિયો ભુજ એલસીબીએ ઝડપી પાડયો છે. પશ્ચિમ કચ્છના માંડવીના મકડા ગામની સીમમાં ખાડામાં ટાંકીમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ 39,484 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. તો નામચીન બુટલેગર જટુભા જાડેજાનું નામ આ દારૂ છુપાવવાના કિસ્સામાં ખૂલ્યું છે. જેની સામે અગાઉ નખત્રાણા, ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે 10 થી વધુ ગુનાઓ નોંધાયેલ છે.
જમીનમાં ખાડો ખોદી તેમા લોખંડની ટાંકીની અંદર દારૂ
પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ASI દેવજીભાઇ મહેશ્વરી, પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરજ વેગડા, મુળરાજભાઇ ગઢવી ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે, માંડવી તાલુકાના મકડા ગામનો જટુભા જાડેજા મકડા ગામની સીમ વિસ્તારમાં આવેલા વાંકલ માતાજીના મંદીરના પાછળના ભાગે આવેલી પવનચક્કી પાસે જમીનમાં ખાડો ખોદીને તેમાં લોખંડની ટાંકીની અંદર ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદશી દારૂનો જથ્થો રાખીને તેનું વેચાણ કરે છે.
બાતમી વાળી જગ્યાએથી મળી દારૂની બોટલ
આરોપી દારૂનો જથ્થો સગેવગે કરવાની પેરવીમાં છે. જે હકીકત આધારે તપાસ કરતા આરોપી જટુભા જાડેજા રેડ દરમ્યાન હાજર મળી આવ્યો નહોતો. પરંતુ બાતમી વાળી જગ્યાએથી ભારતીય બનાવટનો 55 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત 39,484 જેટલી આંકવામાં આવી હતી. આ તમામ મુદ્દામાલ કબ્જે કરીને ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવ્યો છે.
કુખ્યાત બુટલેગર વિરૂદ્ધ 10 ગુના
ઉલ્લેખનીય છે કે પોલીસે કુખ્યાત બુટલેગર જટુભા જાડેજાની વિરૂદ્ધ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે 3 અને ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે 7 મળીને પ્રોહિબિશનના કુલ 10 ગુનાઓ નોંધાયેલ છે. તેની ઝડપી પાડવા માટે ચક્રો ગતીમાન કર્યા છે.
આ પણ વાંચો: