સુરત: જિલ્લાના ઓલપાડ શહેરના જાહેર માર્ગોની લાઈન દોરીમાં આવતાં ગેરકાયદેસર દબાણોથી જટીલ બનેલી ટ્રાફિક સમસ્યાને દૂર કરવા ગુરૂવારના રોજ સરકારી તંત્ર હરકતમાં આવ્યું હતું. તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને રોડની બન્ને બાજુની માર્જિનમાં આવતાં ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફેરવવાનું શરૂ કરતા જ કેટલાક દબાણકર્તા લોકો સાથે ચડભડ થઈ હતી. જેને નાથવામાં ઓલપાડના ઇન્ચાર્જ સરપંચ આનંદ કહાર સફળ રહ્યા હતા.
ગેરકાયદેસર પતરાના શેડ પાડી દબાણ કર્યુ: ઓલપાડ શહેરને જોડતો સુરત ઓલપાડ તથા સરસ અને સાયણ ત્રણે રાજ્યધોરી માર્ગોની લાઈન દોરીમાં અનેક ધંધાર્થી લોકો સહિત ઘણા રહીશોએ ગેરકાયદેસર પતરાંના શેડ પાડી દબાણો કર્યા હતાં. જ્યારે કેટલાક લોકોએ રોડને અડીને લારી ગલ્લા મુકીને ધંધો કરી રહ્યા હતાં. જેથી તાલુકાના મુખ્ય મથકમાં ટ્રાફિક સમસ્યાનું ગ્રહણ નડતા વાહનચાલકો અને લોકો પરેશાની ભોગવી રહ્યા હતા. જો કે આ દબાણો સ્વૈચ્છીક રીતે દૂર કરવા સ્થાનિક ગ્રામપંચાયતના ઈન્ચાર્જ સરપંચ આનંદ કહાર અને સરકારી તંત્રએ અગાઉ અનેક વખત જાણ કરવા છતાં તેઓએ ધ્યાને લીધું નહોતું.
દબાણો દૂર કરવા બુલડોઝરનો ઉપયોગ: સરકારી તંત્રએ દબાણ દૂર કરવાનું ઓપરેશન ગોપનીય રાખી પોલીસ બંદોબસ્તની તારીખ નક્કી કરી સરકારી તંત્ર પોલીસ કાફલો અને બુલડોઝર સાથે ઓલપાડના પરા વિસ્તારમાં પહોંચી ગયો હતો. સરકારી તંત્રએ સુરત તેમજ સરસ રાજ્ય ધોરી માર્ગની લાઈનદોરીમાં આવતાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા બુલડોઝરનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ અસનાબાદ અને સાયણ ફાંટા નજીક માળી ફળિયાથી સાયણ તરફના રોડ ઉપરના દબાણો દૂર કરવામાં આવ્યા હતાં. જો કે, બુલડોઝરના ધમધમાટથી કેટલાક દબાણકર્તાઓએ વધુ નુકસાનીથી બચવા પતરાંના શેડ સ્વયં ઉતારી લીધા હતા. મોડી સાંજ સુધી ડિમોલિશનની કાર્યવાહી ચાલુ હતી. જેથી ઓલપાડ બજાર, કરંજ, કીમ અને હાથીસા રોડના દબાણો પણ દૂર થશે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે.
સરકારી તંત્રે ડિમોલિશન કામગીરી કરી: આ ડિમોલિશન સમયે ઉપસ્થિત ઓલપાડ મામલતદાર લક્ષ્મણ ચૌધરીએ કહ્યું કે, ટાઉનની સરકારી જમીન અને મિલકતો જાળવવાની જવાબદારી અમારા તંત્રની હોવાથી આજે સરકારી જમીનના ગેરકાયદેસર દબાણો દુર કરાયા છે. આ ઉપરાંત ઓલપાડ ટાઉનના જાહેર માર્ગોની માર્જિનમાં થયેલ કોમર્શિયલ દબાણના કારણે ટ્રાફિક સમસ્યાના કારણે રોડની બંન્ને બાજુના ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવી દબાણો દૂર કરવાનું કામ ચાલુ છે. લોકોના રોષ વચ્ચે શરૂ થયેલા આ ડિમોલિશનમાં રાજ્ય સરકારના માર્ગ અને મકાન ખાતાના નાયબ કાર્યપાલક ઈજનેર પ્રતિક ખીમાણી તથા તેમનો સ્ટાફ,વી.એચ. પટેલ, ટીડીઓ હાર્દિકભાઈ, પીઆઈ સી. આર.જાદવ સહિત પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો.
આ પણ વાંચો: