નડિયાદઃ નડિયાદ નગરપાલિકાનો મહાનગરપાલિકામાં સમાવેશ કરાતા નડિયાદનો વિકાસ વેગવંતો થશે. શહેરમાં અનેકવિધ વિકાસ કાર્યો થશે. માળખાકીય સગવડ વધશે અને મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ ગામોમાં પણ વિકાસ થશે. તેમજ નગરજનોની સુવિધાઓમાં પણ વધારો થશે તેવી ઘણી આશાઓ લોકોમાં સેવાઈ છે. વર્ષો જૂની માંગણી સંતોષાતા નગરજનોમાં આનંદની લાગણી ફેલાઈ છે. નડિયાદ નગરપાલિકા વિસ્તાર ઉપરાંત આસપાસના યોગીનગર, પીપલગ, ફતેપુરા, ઉત્તરસંડા, ડુમરાલ, ટુંડેલ, કમળા, મંજીપુરા, બિલોદરા અને ડભાણ એમ દસ ગામોનો મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. નડિયાદના પહેલા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે મિરાંત પરીખની નિમણૂક કરવામાં આવી છે. મહાનગરપાલિકા બનતા શહેરના વિકાસ સાથે જ મૂળભૂત સુવિધાઓમાં સુધારો થશે અને શહેરની સમસ્યાઓનો કાયમી નિકાલ થશે એવી અપેક્ષા નગરજનો રાખી રહ્યા છે.
નગરજનોની સુવિધાઓમાં વધારો થશે
નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા નગરજનોની સુવિધાઓમાં વધારો થવા સાથે વધુ સારી સુવિધાઓ મળશે. વિકાસના કામો ઝડપી બનશે. માળખાકીય સગવડ વધશે અને મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ ગામોમાં પણ વિકાસ થશે. મહાનગરપાલિકા વિસ્તારમાં રોડ, રસ્તા, ગટર, પીવાનું પાણી, આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા જેવી સુવિધાઓ સુચારૂ રીતે મળતી થશે. વિકાસ કામોમાં વધારો થતાં નગરના વિકાસની સાથે રોજગારીની તકોમાં પણ વધારો થશે. તેવી લોકોમાં લાગણીઓ ઊભી થઈ છે.
મિલકતોની કિંમત તેમજ ટેક્સમાં વધારો થશે
ઉપરાંત લોકો માની રહ્યા છે કે, મહાનગરપાલિકા વિસ્તારમાં વિકાસ થતાં સુવિધાઓમાં વધારો થશે તે સાથે જ ટેક્સમાં પણ વધારો થશે. વિસ્તારમાં તેમજ આસપાસના ગામોની જમીન તેમજ મિલકતોના ભાવોમાં વધારો થશે. મહાનગરપાલિકા વિસ્તારમાં મિલકત વેરો, સફાઈવેરો સહિતના ટેક્સમાં વધારો થશે. જેને લઈ શહેરીજનો પર ટેક્સ બોજ વધશે.
દસ ગામોનો સમાવેશ
નડિયાદ નગરપાલિકાની હદ વિસ્તાર સહિત દસ જેટલી ગ્રામપંચાયતોને સમાવિષ્ટ કરવામાં આવી છે. જેમાં યોગીનગર, પીપલગ, ફતેપુરા, ઉત્તરસંડા, ડુમરાલ, ટુંડેલ, કમળા, મંજીપુરા, બિલોદરા અને ડભાણ ગામોનો મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગામોનો સમાવેશ થવાથી વોર્ડની સંખ્યામાં વધારો થશે તેમજ કોર્પોરેટરોની સંખ્યા પણ વધશે.
સુવિધાઓમાં સુધારો અને શહેરના વિકાસની નગરજનોને અપેક્ષા
મહાનગરપાલિકાનો દરજ્જો મળતા નગરજનોમાં ખુશી જોવા મળી રહી છે. સરકારના નિર્ણયને નગરજનો આવકારી રહ્યા છે. નગરજનો શહેરના વિકાસની સાથે જ વીજળી, પાણી, ગટર વ્યવસ્થા એ બધી સુવિધાઓમાં સુધારો થવાની પણ આશા રાખી રહ્યા છે. શહેરની વિવિધ સમસ્યાઓનો કાયમી નિકાલ થશે. શહેરનો તેમજ સમાવેશ કરવામાં આવેલા ગ્રામ્ય વિસ્તારોનો પણ વિકાસ થશે તેમ માની રહ્યા છે. શહેરનો ઉત્તરોઉત્તર વિકાસ થશે એવી નગરજનોને આશા છે.
કામોમાં ભ્રષ્ટાચાર દૂર થવાની અને શહેરની સમસ્યાના કાયમી ઉકેલની વિરોધ પક્ષને અપેક્ષા
નડિયાદ નગરપાલિકામાં ઘણા બધા કામોમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાની શહેર કોંગ્રેસ દ્વારા રજૂઆતો કરાયેલી છે. જે ભ્રષ્ટાચાર બાબતે નવા અધિકારીને આગામી સમયમાં પણ શહેર કોંગ્રેસ દ્વારા રજૂઆત કરાશે. મહાનગરપાલિકા થવાથી સારા અધિકારી આવવાથી રોડ રસ્તા સારા બનશે. ચારે બાજુ જોવા મળતા કચરાના ઢગલાનું યોગ્ય નિરાકરણ થશે. ગટરોનું નવીનીકરણ થઈ રસ્તા પરના ગટરના પાણીની સમસ્યાનો કાયમી નિકાલ થશે એવી નવા અધિકારી પાસે શહેર કોંગ્રેસને આશા છે.
મિરાંત પરીખ પહેલા કમિશ્નર
નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાના દરજ્જાની જાહેરાત કરવા સાથે જ મ્યુનિસિપલ કમિશ્નરની નિમણૂક પણ કરવામાં આવી હતી. નડિયાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે મિરાંત પરીખની નિમણૂક કરવામાં આવી છે. જેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર તરીકે કાર્યરત હતા. ઉલ્લેખનીય છે કે, અહીં હાલ મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યાથી સહુમાં આશાઓ બંધાઈ છે પરંતુ અહીં હાલમાં ગુજરાતમાં જે વર્ષોથી મહાનગરપાલિકાઓ છે તેના કાર્યો કેવા થયા છે તેને પણ ધ્યાને લેવા આવશ્યક છે.