ભાવનગર: ભાવનગરમાં દારૂ વારંવાર પકડાય તેમાં નવાઈની વાત નથી, પરંતુ પોલીસે એક મહિલાને ધોળા દિવસે દારૂની બોટલો ભરેલા બે થેલા સાથે ઝડપી પાડી છે. એલસીબી પોલીસે બહારથી દારૂ લાવનાર આડોડીયાવાસની મહિલાને દારૂ સાથે ઝડપી પાડી છે. દારૂ સાથે મહિલા ઝડપાતા લોકોમાં પણ ચકચાર મચી ગયો છે.
કેવી રીતે ઝડપાઈ મહિલા
ભાવનગરની એલસીબી પોલીસે જણાવ્યું હતું કે, એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી તે અનુસાર ભાવનગર-રાજકોટ હાઈવે રોડ ઉપરથી એક મહિલા દારૂ સાથે ઝડપાઇ ગઇ હતી. પોલીસે જાહેર રસ્તા પર ઉભેલી મહિલાની પાસે રહેલી ચીજવસ્તુઓની તપાસ કરતા થેલામાંથી દારૂની બોટલો મળી આવી હતી. આથી એલસીબી પોલીસે મહિલાને ઝડપી બોરતળાવ પોલીસને સોંપી ગુનો દાખલ કર્યો છે.
દારૂની બોટલો ભરેલા થેલા
ભાવનગર એલસીબી પોલીસે બાતમીના પગલે ભાવનગર-રાજકોટ હાઇવે રોડ ઉપર ઓમ પાર્ટી પ્લોટ પાસે બે થેલા લઈને ઉભેલી કિરણબેન મેહુલભાઈ પરમાર નામની મહિલાની તલાશી લેતા તેના થેલામાંથી વિદેશી દારૂની બોટલ 240 નંગ મળી આવી હતી. આ દારૂની બોટલની કિંમત 28,800 પોલીસ દ્વારા બતાવવામાં આવી છે. પકડાયેલી મહિલા શહેરના આડોડીયાવાસમાં અખાડા નજીક રહેતી હોવાનું પોલીસે જણાવ્યું છે.
મહિલા સામે પોલીસની કાર્યવાહી
ભાવનગર એલસીબી પોલોસે પકડેલી મહિલા પાસેથી મળેલી દારૂની બોટલ પ્લાસ્ટિકની કંપનીની સિલપેક ફોર સેલ ઇન મહારાષ્ટ્ર સ્ટેટ ઓન્લી લખેલું હતું. આ દરેક બોટલ બે થેલામાં ભરેલી હતી. પોલીસે હાલ તો પ્રોહીબિશનના ગુન્હા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.