અમદાવાદઃ રોજબરોજ ડિજિટલ અરેસ્ટના બનાવો વધી રહ્યા છે. વારંવાર પોલીસ દ્વારા અને સાયબર ક્રાઇમ દ્વારા લોકોને સાવચેત કરવા છતાં અમુક ઠગ ટોળકીઓ દ્વારા લોકોને ડિજિટલ રીતે અરેસ્ટ કરવાનું કહી લાખો રૂપિયા ખંખેરી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે જેમાં એક સિનિયર સિટીઝન પાસેથી 17 લાખ રૂપિયા ખંખેરવામાં આવ્યા હતા. જોકે તેમને આખરે છેતરાયાનો ખ્યાલ આવતા તુરંત જ પોલીસની મદદ લીધી અને શખ્સો સામે ફરિયાદ કરતા તેમની ફરિયાદ પર ત્વરિત કામગીરી સાથે સાયબર ક્રાઈમ એક્શનમાં આવી ગઈ હતી. જેમાં એક રશિયન નાગરિક સહિત ત્રણ લોકોને અમદાવાદ સાબર ક્રાઈમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે સાથે આ ઠગ ટોળકીનું વિદેશી કનેક્શન પણ સામે આવ્યું છે.
ઠગ ટોળકીએ એક વૃદ્ધના 17 લાખ પડાવ્યા
ઠગ ટોળકી દ્વારા પોતાને દિલ્હી હેડ ક્વાર્ટરમાંથી કસ્ટમ વિભાગના ઇન્સ્પેક્ટર હોવાનું જણાવી રૂપિયા 17 લાખ એક વૃદ્ધ પાસેથી ખંખેરવાનો કિસ્સો સામે આવ્યો છે.
'ડ્રગ્સ મળી આવતા તમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે...'
અમદાવાદ શહેરના એક સિનિયર સિટિઝન દાદાને આ ઠગ ટોળકીએ ફોન કરીને કહ્યું હતું કે, તમારું પાર્સલ મલેશિયા ખાતે મોકલ્યું છે, એનો ટ્રેકિંગ આઇ.ડી.નં- IND6835461720 જેની ટ્રાન્ઝેક્શન આઇ.ડી નં. 401811759660 છે. આ પાર્સલમાં 16 બોગસ પાસપોર્ટ તથા 58 ATM CARD અને 140 GM એમડી ડ્રગ્સ મળ્યું છે. ડ્રગ્સ મળી આવતાં તમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે.
એકાઉન્ટ વેરીફીકેશનના બહાને 17 લાખ પડાવી લીધા
આમ સીનીયર સીટીઝનને ગંભીર રીતે ડરાવી ત્યારબાદ બેન્ક એકાઉન્ટ વેરિફાઇ કરીને લીગલાઇજેશનના અલગ અલગ બહાનાં હેઠળ વૃદ્ધ પાસેથી રૂપિયા 17 લાખ પડાવી લીધા હતા. પોતાની સાથે ફ્રોડ થયો છે તે બાબતની જાણ જેમ તે વૃદ્ધ વ્યક્તિને થઈ તેણે તાત્કાલિક જ સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી અને સાયબર ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.
બે આરોપીઓ પહેલાથી જ પોલીસના સકંજામાં હતા
અગત્યની અને ચોંકાવનારી વાત એ છે કે, આ ગંભીર ગુના સાથે સંડોવાયેલા બે આરોપીઓ પહેલાથી જ જેલમાં હતા. પોલીસ દ્વારા બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી ત્યારે સામે આવ્યું કે તેમની સાથે એક રશિયન વ્યક્તિ પણ જોડાયેલી છે. તે એન્ટોલિય મિરોનોવ નામના રશિયન આરોપીની ધરપકડ બાદ સામે આવ્યું કે, તેને પુણે પોલીસે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં ઝડપ્યો હતો. સાથે એ પણ સામે આવ્યું કે, કંબોડિયન ગેંગ દ્વારા આ ડિજિટલ એરેસ્ટનું સમગ્ર રેકેટ ચલાવવામાં આવતું હતું.
ક્રિપ્ટો અથવા તો અન્ય રીતે પૈસા ચીન પહોંચાડાતા હતા
એન્ટોલિય મિરોનોવ ગેટકીપર તરીકે કામ કરતો હતો, જે ખાતા ધારકના ખાતામાં મોટી રકમ જમા થતી હતી, તેને હોટલમાં બોલાવી પૈસા ચીનમાં ટ્રાન્સફર ન થાય ત્યાં સુધી સાથે રાખતો હતો. ક્રિપ્ટો અથવા તો અન્ય રીતે પૈસા ચીન પહોંચતા ત્યાં સુધી જોડે રહેતો હતો. આની સાથે અન્ય એક રશિયન ગેટ કીપર હતો. જે હાલ ફરાર થઈ ગયો હતો.
ટેલીગ્રામ દ્વારા ચાઈનીઝ લોકોના સંપર્કમાં હતો
રશિયન આરોપી એન્ટોલિય મિરોનોવ ચાઈનીઝ લોકો સાથે પણ સંપર્કમાં હતો તેવી વાત પણ સાયબર ક્રાઈમને જાણવા મળી છે કે ટેમની સાથે સંપર્કમાં રહેવા માટે તે ટેલિગ્રામ એપ્લિકેશનનો ઉપયોગ કરતો હોવાનું પણ સામે આવ્યું છે.
અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા મુંબઈ તથા પુણે જઈને તપાસ કરવામાં આવી તે દરમિયાન આરોપીની અટક કરી કાર્યવાહી કરવામાં આવી હતી. અગાઉ પકડાયેલા આરોપીમાં નદિમખાન પઠાણ કે જે અલગ અલગ વ્યક્તિઓના બેંક એકાઉન્ટની કીટ સાથે મુંબઈમાં આવેલી ઈમ્પરિયલ હોટલમાં જઈ રશિયન આરોપી Anatoliy Mironov Alexandrovich Mironov સાથે મળી બેંક એકાઉન્ટની તમામ માહિતી આપી નદિમ ખાન બેંક એકાઉન્ટ હોલ્ડર અને એજન્ટને મુંબઈ તથા ગોવાની હોટલમાં બોલાવી એકાઉન્ટમાં ડિપોઝિટ થયેલા નાણાં તેના ચાઈનીઝ બોસના કહેવા પ્રમાણે અન્ય એકાઉન્ટમાં અથવા ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરાવતા હતા.