સુરત: આદુ, એલચી, ફુદીના સહિત અનેક પ્રકારની ચા પીધી પણ હશે. પરંતુ સુરતમાં ખાસ પ્રકારની ચા લોકો ચોમાસાની સિઝનમાં પસંદ કરી રહ્યા છે. આ ચાની ખાસિયત છે કે આની અંદર કેળા સફરજન, કેરી અને સિઝનલ ફ્રુટ નાખીને ચા તૈયાર કરવામાં આવે છે. નાનકડી ચાની લારી પર કોઈએ વિચાર્યું પણ ન હશે કે અહીં ફ્રુટ ટી મળી શકે છે. પરંતુ મનીષભાઈ જે ચા બનાવે છે તેની ખાસિયત છે કે તેની અંદર અલગ અલગ પ્રકારના ફ્રુટ નાખવામાં આવે છે.
![ચોમાસામાં ફ્રૂટ ટીની મજા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-06-2023/gj-sur-fruit-tea-7200931_28062023153131_2806f_1687946491_636.jpg)
50થી માંડીને 200 સુધીની ચા: સુરત શહેરના સોની ફળિયા ખાતે એક નાનકડી ચાની લારી ચલાવનાર મનીષભાઈ ફ્રુટ ટી બનાવવા માટે જાણીતા છે. મનીષભાઈએ જણાવ્યું હતું કે ચામાં સફરજન, કેળું, કેરી, સીતાફળ, જાંબુ કે ચીકુ જેવા ફ્રુટનો માવો કે ચોકલેટ, કોકો જેવી વસ્તુઓ નાંખીને ટેસ્ટી કરવામાં આવે છે. 50 રૂપિયાથી માંડીને 200 સુધીની આ ચા છે. દૂધમાં નાખીને જે ફ્રુટ ખાઈ શકાય તેની અંદર કોકો પાવડર અને ચા પત્તી નાખીને ચા તૈયાર કરવામાં આવે છે અથવા તો જેની અંદર ખટાશ હોય તેવા ફ્રુટ પાણીમાં નાખીને ચા બનાવવામાં આવે છે. જે લોકો ખૂબ જ પસંદ કરે છે. ચાની અંદર અલગ અલગ પ્રકારના ફ્રુટની વેરાઈટીથી અલગ જ સ્વાદ આવે છે.
![50 રૂપિયા થી માંડીને 200 સુધીની ચા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-06-2023/gj-sur-fruit-tea-7200931_28062023153131_2806f_1687946491_597.jpg)
જુદા જુદા ફ્રુટના ટેસ્ટની ચા: ફ્રુટ નાખીને ચા અંગે ભાગ્યે જ કોઈ માની શકે તેમ છે. લોકો ન માની શકે તેવી અનોખી ચા સુરતના સોનીફળિયા પાણીની ભીત ખાતે આવેલી નાનકડી ચાની લારીમાં વેચાઈ રહી છે અને પીવાય રહી છે. ચા પીવા માટે આવેલાં કમલેશ મસાલા વાલાએ જણાવ્યું હતું કે પહેલાં ફ્રુટના ટેસ્ટવાળી ચા અંગે સાંભળીને અજુગતું લાગતું હતું. પરંતુ નજર સામે ચા બની અને ટેસ્ટ પણ ભાવ્યો હોવાથી અમે જુદા જુદા ફ્રુટના ટેસ્ટની ચા ટેસથી પીએ છીએ.
ભારતમાં ચાની એન્ટ્રી કરવાનો શ્રેય સુરતને: ચોમાસાની સિઝનમાં લોકો ચા વધારે પસંદ કરતા હોય છે. ચાના રસિયાઓ માટે અલગ અલગ ફલથી તૈયાર આ ચા સાંભળી ચોક્કસથી કૌતુહલ સર્જાય તેવું છે. સીઝનલ ફ્રુટ નાખીને પણ સ્વાદિષ્ટ ચા બનાવી શકાય તે વિચાર નાનકડી ચાની લારી ચલાવનાર વિક્રેતાને આવી શકે તે પણ આશ્ચર્યનો વિષય છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત સહિત ભરતમાં 17મી સદી (1648) માં સુરત સહિત સમગ્ર ભારતમાં ચાની એન્ટ્રી કરવાનો શ્રેય સુરતના વેપારી વિરજી વોરાનો ફાળે જાય છે. આજથી 370 વર્ષ પહેલાં સુરતમાં સુરતમાં ચાની એન્ટ્રી બાદ તાપી નદીમાં અનેક પાણી વહી ગયાં પણ સુરતીઓનો ચા પ્રત્યેનો લગાવ યથાવત જોળી રહ્યો છે.