બારડોલી: 'ધ કેરલા સ્ટોરી' ફિલ્મ વધુને વધુ લોકો જુએ એ માટે અલગ અલગ સંગઠનો અને નેતાઓ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સામાન્ય ચા વાળાથી માંડીને રિક્ષા વાળા પણ મૂવી જોવા માગતા લોકો માટે વિશેષ ઓફર લઈને આવી રહ્યા છે. પલસાણા તાલુકા ચલથાણમાં રહેતા એક યુવકે બે રિક્ષા મૂકી કામરેજ અને પલસાણા તાલુકામાં ફિલ્મ જોવા માગતી માતા બહેનોને વિનામુલ્યે થિયેટર સુધી પહોંચાડવાની ઓફર મૂકી છે
ફિલ્મ જોવા જતી મહિલાઓને વિનામૂલ્ય રીક્ષા સેવા: ચલથાણના વિજયભાઈ ભરવાડ હિન્દુ સંગઠન સાથે જોડાયેલા છે. તેમણે જે મહિલાઓ કે પરિવાર ધ કેરલા સ્ટોરી જોવા માટે થિયેટરમાં જશે તેમની પાસેથી કોઈ પણ પ્રકારનું ભાડું વસૂલવામાં આવશે નહીં એવી જાહેરાત કરી છે. તેઓ ચલથાણ, કડોદરા અને કામરેજ વિસ્તારમાં મહિલાઓને થિયેટર સુધી લઈ જવા માટે બે રિક્ષા મૂકી છે. જે થિયેટરમાં જવા માગે છે તે મહિલાઓ અને ફિલ્મ જોઈને પરત ફરતી મહિલાઓને વિનામૂલ્યે લાવવા લઈ જવામાં આવશે.
'સારી ફિલ્મ બનતી હોય કે જેનાથી આપણા દેશના યુવાવર્ગને સારો સંદેશ મળે અને કેટલા જેવા રાજ્યમાં જે પ્રકારની સ્થિતિ છે અને લવ જેહાદ જેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે ખૂબ જ ચિંતાજનક છે. એક ચોક્કસ ધર્મ વિશેષ લોકોનું આ ષડયંત્ર છે જેને આ મુવીની અંદર બતાવવામાં આવ્યું છે. જેથી કરીને અમે કેટલાક મિત્રો એકત્રિત થઈને જે પણ ધ કેરલા મુવી જોવા માટે પરિવાર સાથે કે એકલા જશે અને તેઓ અમારા સંપર્ક કરશે તો અમે અમારી રિક્ષામાં તેમને લઈ જઈશું.'-વિજય ભરવાડ, રીક્ષા ચાલક
ફિલ્મને ગુજરાતમાં ટેક્સ ફ્રી કરવાની માગ: 'ધી કેરાલા સ્ટોરી' નામક ફિલ્મને મધ્ય પ્રદેશમાં 'ટેક્ષ ફ્રી' જાહેર કરી છે. આ પછી હવે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર પણ તે ફિલ્મને 'ટેક્ષ-ફ્રી' જાહેર કરી છે. ગુજરાતમાં પણ અનેક સંગઠનો અને સામાજિક આગેવાનોએ આ ફિલ્મને ટેક્ષ ફ્રી કરવામાં આવે તેવી માગ કરી છે.