સુરત: કામરેજ ચાર રસ્તા નજીક ગુરુવારની મોડી રાત્રે વેપારીની કાર આંતરીને 15 લાખની લૂંટનો ભેદ ગણતરીના કલાકમાં ઉકેલાયો હતો. જિલ્લા LCBએ 6 પેકીના એક સગીર સહિત ચારને ઝડપી પાડ્યા હતા. 2 આરોપી હજુ ફરાર છે. પોલીસે 11.50 લાખ રોકડ અને 2 કાર કબ્જે કર્યા હતા.
15 લાખની લૂંટ કરી ફરાર: ગત ગુરુવારની મોડી રાત્રે કામરેજના નનસાડ ગામે ખાતે રહેતા એક વેપારી પોતાના મિત્ર સાથે વડોદરાથી ધંધાના 15 લાખ લઈ પરત ફરી રહ્યા હતા. દરમ્યાન કામરેજ ટોલનાકા નજીક એક ઇનોવા કારમાં આવેલ ચાર જેટલા શખ્સોએ પોતે વડોદરા એલસીબીના અધિકારી હોવાનું જણાવી વેપારી સાથે મારામારી કરી 15 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જોકે વ્યાપારીએ તરત જ 100 નંબર પર ફોન કરતા ગુનાની ગંભીરતા સમજી તરત જ કામરેજ પોલીસ, એસઓજી, એલસીબી તેમજ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમોએ તપાસ શરૂ કરી હતી.
વેપારીના મિત્રનું કાવતરું: પોલીસે તપાસની શરૂઆત ફરિયાદી અને તેના મિત્રથી કરી હતી અને તરત જ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. વ્યાપારીના મિત્ર દ્વારા આખું લૂંટનું કાવતરું રચવામાં આવ્યું હતું. વેપારી જ્યારે વડોદરા પૈસા લેવા જવાના હતા તેની જાણ માત્ર તેના મિત્રને હતી. વેપારીના મિત્રએ પોતાના મિત્રોને પહેલેથી જ સતર્ક કરી દીધા હતા. વડોદરાથી પૈસા લઇને નીકળ્યા ત્યારથી જ લૂંટારાઓ વેપારીની કારનો પીછો કરી રહ્યા હતા. કામરેજ ટોળા નાકુ ક્રોસ કરતાં જ તાપી નદીના બ્રિજ પહેલા ખાલીખમ હાઇવે મળતાં જ કાર આંતરી હતી અને પોતે વડોદરા એલસીબીના અધિકારી હોવાનું જણાવી વેપારીના 15 લાખ લૂંટી ફરાર થઇ ગયા હતા.
પોલીસ અને પ્રેસ લખેલી પ્લેટ મળી આવી: આરોપીઓની માહિતી મળતાં જ પોલીસે તરત નાકા બાંધી કરી દીધી હતી. પોલીસે ઇનોવા લઇને ભાંગેલા આરોપીઓને વડોદરાના કરજણ ટોલનાકા પરથી ઝડપી પાડ્યા હતા. પોલીસે કારની તપાસ કરતા કારમાંથી પોલીસને 11.50 લાખ રોકડ મળી આવ્યા હતા. જ્યારે 2 આરોપી 3.50 લાખ લઈ અન્ય જગ્યાએ ફરાર થઇ ગયા હતા. ઝડપાયેલા આરોપીઓની કારમાંથી એક પોલીસ લખેલી પ્લેટ, એક પ્રેસ લખેલી પ્લેટ, એક ન્યૂઝ ચેનલનું માઇક આઈડી, એક આઈ ડી કાર્ડ પણ મળી આવ્યું હતું. પોલીસે હાલ આરોપી પાસેથી 11.50 લાખ રોકડ, એક ઇનોવા કાર તેમજ એક વર્ના કાર મળી 25 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
'આ બાબતે ફરિયાદ મળતા જ સુરત જિલ્લા પોલીસ સતર્ક થઈ ગઈ હતી અને આરોપીઓને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી હતી. ચોક્કસ બાતમીના આધારે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી એક આરોપી સગીર વયનો પણ છે, હાલ પોલીસે ઝડપાયેલા આરોપીઓએ અન્ય કોઈ ગુનાઓ કર્યા છે કે કેમ તેની તપાસ કરી રહી છે. - હિતેશ જોયસર, પોલીસ વડા, સુરત ગ્રામ્ય