- ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો
- શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન
- ક્લાર્ક રૂમમાં આગથી ડોક્યુમેન્ટ બળીને ખાખ
બારડોલી : સુરત જિલ્લાના કામરેજ તાલુકાના માકણા ગામે આવેલી અર્ચના ઇન્ટરનેશનલ સ્કૂલમાં રવિવારના રોજ અચાનક આગ લાગતા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ બળીને ખાખ થઈ ગયા હતા. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાના શાળા સંચાલકો જણાવી રહ્યા છે. નસીબજોગ શાળા બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી છે.
ધુમાડો નીકળતો દેખાતા આજુબાજુના રહીશો દોડી આવ્યા
કામરેજ તાલુકાના માકણા ગામે અર્ચના ઇન્ટનેશનલ સ્કૂલ આવેલી છે. રવિવારના રોજ બપોરના સમયે સ્કૂલના ક્લાર્ક રૂમમાં અચાનક ધુમાડો નીકળતો દેખાતા આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા અને પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
ડોક્યુમેન્ટ બળી જતા વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ
આગની ઘટનાની જાણ થતાં જ સંસ્થાના ટ્રસ્ટી અને સંચાલકો પણ સુરતથી દોડી આવ્યા હતા. નસીબજોગે શાળા બંધ હોવાથી આગથી મોટી જાનહાનિ ટળી હતી. આગમાં ક્લાર્ક રૂમમાં મુકેલ વિદ્યાર્થીઓના મહત્વના ડોક્યુમેન્ટ બળીને ખાખ થઈ જતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે.
શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન
શાળા સંચાલકોએ જણાવ્યું હતું કે, શોર્ટ સર્કિટને કારણે રૂમમાં આગ લાગી છે. ડોક્યુમેન્ટ બળી જવા મામલે તેમણે શાળાના આચાર્ય સાથે મળી કોઈ ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે એમ જણાવ્યું હતું.