સુરત: કેન્દ્ર સરકારના અતિ મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે સૌથી મોટા સમાચાર સુરતથી સામે આવ્યા છે. યોગ્ય વળતર ન મળવાના કારણે હવે પોતાના અધિકાર માટે દક્ષિણ ગુજરાતના ખેડૂતો જીકા કંપની વિરુદ્ધ જાપાનની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવશે.
ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના ખેડૂતો જમીન અધિગ્રહણ ની નીતિ થી સંતુષ્ટ નથી.. વર્તમાનમાં જમીન અધિગ્રહણનું કાર્ય માત્ર 40 ટકા જ પૂરું થયું છે. NHSRCની અધિગ્રહણ નીતિમાં ગુજરાત મહારાષ્ટ્ર માટે નિયમો અલગ અલગ છે.
હાલ ખેડૂતો સુપ્રીમ કોર્ટના ચૂકાદાની રાહ જોઈ રહ્યા છે. જો નિર્ણય ખેડૂતહિતમાં નહીં આવે તો જીકા કંપની વિરુદ્ધ જાપાનની કોર્ટમાં ફરિયાદ કરવાની તજવીજ ખેડૂત સમાજ દ્વારા હાથ ધરવામાં આવશે.
ખેડૂત સમાજ દ્વારા જણાવ્યું છે કે, હાલ કંપનીના અધિકારીઓ તેમના સંપર્કમાં છે અને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આવનારા સમયમાં ફરિયાદ કરવાની તજવીજ શરૂ કરવામાં આવશે.
18 જુલાઈ, 2020 - બુલેટ ટ્રેન સમયસર શરૂ થશે, 60 ટકા જમીન સંપાદનનું કામ પૂર્ણઃ રેલવે બોર્ડ અધ્યક્ષ
રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદકુમાર યાદવનું કહેવું છે કે, મુંબઇ હાઇસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ માટે અમદાવાદથી 60 ટકાજમીન સંપાદન કરવામાં આવી છે. રેલવે બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કરતા પહેલા, જમીનના માલિકો અને તેમના સંગઠનને તેમને થતાં ફાયદાથી સંબંધિત ઘણી વસ્તુઓની ખાતરી આપી રહી છે.
16 ડિસેમ્બર, 2019- બુલેટ ટ્રેન: ગુજરાતના 50 જેટલા અસરગ્રસ્ત ખેડૂતોએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી
સુરત: કેન્દ્ર સરકારના બુલેટ ટ્રેન પ્રોજેકટ ફરી અટકી પડે તેવી શક્યતાઓ છે. જમીન સંપાદન મામલે ગુજરાત હાઇકોર્ટમાં ખેડૂતો તરફી નિર્ણય નહીં આવતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના 50 જેટલા અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે. આ ઉપરાંત પ્રોજેકટના અસરગ્રસ્ત 70 જેટલા મકાન માલિકો પણ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરશે.
19 સપ્ટેમ્બર, 2019- બુલેટ ટ્રેન: રાજ્ય સરકારના જમીન સંપાદનને યોગ્ય ઠેરવતા હાઈકોર્ટે 100 ખેડૂતોની અરજી ફગાવી
વડાપ્રધાન મોદીના સ્વપ્ન સમાન અમદાવાદ - મુંબઈ વચ્ચે 508 કીમી લાંબા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ગુરુવારે ગુજરાત હાઈકોર્ટ તરફથી લીલીઝંડી મળી ગઈ છે. ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ જસ્ટીસ અનંત દવે અને બિરેન વૈષ્ણવે ખેડૂતોની માગ ફગાવી દીધી છે. બુલેટ ટ્રેન પ્રોજેકટ મલ્ટી સ્ટેટ પ્રોજેક્ટ હોવાથી કેન્દ્ર સરકારના જમીન સંપાદન કાયદા મુજબ જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવાની ખેડૂતોની માગ હાઈકોર્ટે ફગાવી દીધી છે. જોકે ખેડૂતોને જમીન સંપાદન મુદ્દે યોગ્ય વળતર માટેનો માર્ગ ખુલ્લો રાખતા કોર્ટે યોગ્ય સતાધિશો સમક્ષ રજુઆત કરવાનો આદેશ કર્યો હતો.
24 જૂન 2019, -બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વેગ પકડશે, ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે જમીન સંપાદન
મુંબઈ-અમદાવાદ વચ્ચેનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ખેડૂતોનાં વિરોધના કારણે વિલંબમાં મુકાયો હતો. પણ હવે આ પ્રોજેક્ટ સામેનો અવરોધ દુર થયો છે. પ્રોજેક્ટ પર કામ કરતી નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે એવી આશા વ્યક્ત કરી છે કે, ડિસેમ્બર સુધીમાં જમીન સંપાદનનું કામ પુરૂ કરાશે.