સુરત : ભેંસાણ, ઈચ્છાપોર, મલધામાં, પાલ સહિત ભાથા ગામોમાં છેલ્લા 20 વર્ષથી સિંચાઈ માટેનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે અહીંના ખેડૂતો સુએઝ ટ્રીટમેન્ટમાંથી પસાર થતી લાઈનમાંથી ગટરના પાણીથી ખેતી કરી રહ્યા છે. કેનાલ પર સુરત મહાનગરપાલિકા દ્વારા 20 વર્ષ પહેલા કેનાલ બંધ કરી સુએઝ પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો હતો. જેમાં કેનાલ પરથી સુરત મહાનગરપાલિકા દ્વારા ગટર લાઈન પસાર કરવામાં આવી હતી. જ્યાં ખેતી માટે સિંચાઈનું પાણી મળતુ બંધ થઈ જતા ખેડૂતોએ નાછૂટકે ગટરિયા પાણીથી ખેતી કરવા મજબુર બનવું પડ્યું છે.
આ પરિસ્થિતિ વચ્ચે ગટરિયા પાણીથી ખેતીના કારણે સુરત શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો હોવાના આક્ષેપ સુરત મહાનગરપાલિકાએ કર્યા છે. જેના કારણે ખેડૂતો લાલઘૂમ બન્યા છે અને પાલિકા સામે રોષ ઠાલવી રહ્યા છે. પાલિકા દ્વારા પોલીસ કેસ કરવાની ધમકી મળતા ખેડૂતો આક્રમક મૂડમાં આવી ગયા છે. જો ખેડુતો પર પોલીસ કેસ કરવામાં આવશે તો આગામી દિવસોમાં શાકભાજી અને દૂધ પણ બંધ કરી દેવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે. એટલું જ નહીં, પરંતુ ખેડૂત સમાજ હજારો ખેડૂતોને સાથે રાખી રસ્તા ઉતરી પાલિકાની મુખ્ય કચેરીને તાાળાબંધી પણ કરશે.