સુરત: યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયનના નેજા હેઠળ બેન્ક કર્મચારીઓ દ્વારા બે દિવસની હડતાળની જાહેરાત કરવામાં આવી છે. જે જાહેરાતના પગલે સુરતમાં પણ બેન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. પગાર વધારા, તેમજ બેન્કોના ખાનગીકરણ સહિત પડતર માંગણીઓને લઈ રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓ દ્વારા આ હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જો કે, બેન્ક કર્મચારીઓની હડતાળના પગલે કરોડોના ક્લિયરિંગ ખોરવાઇ જવાની ભીતિ સેવાઈ રહી છે.
રાષ્ટ્રીયકૃત બેન્કોના હડતાળના પગલે ખાતેદારોને પણ મુશ્કેલી પડી રહી છે. સુરતમાં પણ રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓએ ઘોડદોડ રોડ સ્થિત બેન્ક ઓફ બરોડા બહાર સરકારની નીતિ અને રીતિ સામે ભારે વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર કર્યા હતાં. બેન્ક કર્મચારીઓ જોડે થઈ રહેલા અન્યાયને લઈ યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન દ્વારા બે દિવસ માટે હડતાળ પાડવામાં આવી છે.
બેન્ક કર્મચારીઓ એ સ્પષ્ટપણે ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર તેઓની માંગણી નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. વર્ષ 2017માં પણ રજૂઆત કરવા છતાં બેન્ક કર્મચારીઓની માંગણી સ્વીકારવામાં આવી નથી. ત્યારે બેન્ક કર્મચારીઓએ નાછૂટકે ફરી હડતાળ પાડી પોતાની માંગણી મૂકવાની ફરજ પડી છે.