સુરત: નિસર્ગ વાવાઝોડાને લઈ સુરતના 32 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ વાવાઝોડાને પગલે સુરત જિલ્લા કલેક્ટર ડૉ. ધવલ પટેલે જણાવ્યું છે કે, હાલ સિસ્ટમ સુરતથી 900 કી.મી. દૂર દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ અરબ સાગરમાં ડિપ્રેશન તરીકે છે. આગામી 24 કલાકમાં સાયકલોન સ્ટ્રોમમાં પરિવર્તિત થશે.
કોરોનાની સાથે સુરતમાં હાલ વાવાઝોડાનો ભય પણ જોવા મળી રહ્યો છે. તંત્ર કોરોનાની સાથે હાલ વાવાઝોડા સામે પણ જંગ લડવા સજ્જ થઈ રહ્યું છે. નિસર્ગ વાવાઝોડુ તારીખ 3 જૂનના રોજ સાંજના અથવા રાત્રે દક્ષિણ ગુજરાતમાં દમણ અને મહારાષ્ટ્રમાં હરિહરેશ્વર રાયગઢની વચ્ચેથી પસાર થાય તેવી આગાહી કરવામાં આવી છે.
આ અંગે સુરત જિલ્લા કલેક્ટર ડૉ. ધવલ પટેલે જણાવ્યું છે કે, તારીખ 2ના રોજ સવારે સાયકલોન ઉત્તર દિશા તરફ જશે. ત્યાર બાદ ઉત્તર-પૂર્વ દિશામાં જશે. તારીખ 3 જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં ઓછાથી મધ્ય તેમજ અતિભારે અને છુટો છવાયો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તારીખ 4 જૂનથીના રોજ પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અને છુટા છવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
સુરત કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, સુરતમાં 3 જૂનના રોજ સાંજથી 70થી 80 કિલોમીટર વધી 90 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. માછીમારોએ તારીખ 4 જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. સુરતના દરિયા કિનારાના કોઈ માછીમારો તટ પર આવવાના બાકી હોય, તો તેઓ પરત ફરે તેવી સૂચના આપી દેવામાં આવી છે. તેમજ લોકો પોત-પોતાના ઘરે રહેવા સલાહ આપવામાં આવી છે. જે લોકો નીચાણવાળા વિસ્તારોમાં રહેતા હોય, તેવા લોકોને સ્થાનિક તંત્રની સૂચના મળ્યા બાદ તાત્કાલિક શેલ્ટર હોમમાં સ્થળાંતર કરવા માટે સૂચના આપવામાં આવી છે.
વાવાઝોડાને ધ્યાનમાં રાખી સુરતના તમામ દરિયા કિનારાઓ અને બીચ બંધ રાખવામાં આવ્યા છે. તંત્રએ ખેડૂતોએ પોતાનો બહાર પડેલા અનાજ સહિતનો જથ્થો શેડની અંદર લઈ લેવા વિનંતિ કરી છે. વરસાદ અથવા વંટોળના સેલ્ફી ફોટો પાડવા લોકોએ બહાર ન જવું એવી સૂચના અપાઈ છે. અગાહીના પગલે 32 ગામોને એલર્ટ કરાયા છે. હાલ NDRF અને SDRFની એક-એક ટીમ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે.