નડિયાદઃ નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે આજે પોષી પૂર્ણિમાની શ્રધ્ધાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. પોષી પૂર્ણિમાએ મંદિરમાં બોર ઉછાળવાની પરંપરા છે. મંદિરમાં સવારથી ભાવિકોનો મહેરામણ ઉમટ્યો હતો. અહીં બોર ઉછાળવાથી અબોલ બાળકો બોલતા થતા હોવાની માન્યતા છે. જેને લઈ મંદિર ખાતે ભાવિકોએ હજારો મણ બોર ઉછાળી માનતા પુર્ણ કરી હતી.
સંતરામ મંદિરમાં આજે પોશી પૂનમના દિવસે હજારોની સંખ્યામાં ભાવિકો દૂર દૂરથી બાધા પૂર્ણ કરવા આવી પહોંચ્યા હતા. મંદિરમાં હજારો મણ બોરની ઉછામણી કરવામાં આવી હતી. સાથે જ સમગ્ર મંદિર પરિસર જય મહારાજના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
મંદિરમાં બોર ઉછાળવાની પરંપરા
સંતરામ મંદિરમાં પોષી પૂર્ણિમાએ બોર ઉછાળવાનું વિશેષ મહત્વ રહેલું છે.જે માતા-પિતાનું બાળક બોલતું ન હોય કે તોતડાતું હોય તેવા વાલી પોતાનું બાળક બોલતું થાય તે માટે મહારાજના આશીર્વાદ સાથે પૂર્ણિમાએ બોર ઉછાળવાની માનતા રાખતા હોય છે. બાદમાં બાળક બોલતું થતા પોષી પૂર્ણિમાએ મંદિરમાં બોરની ઉછામણી કરી માનતા પૂર્ણ કરવામાં આવે છે. સવા શેર બોરથી લઈને બાળકનું જેટલુ વજન હોય તેટલું કે તેનાથી વધારે બોર ઉછાળવામાં આવે છે. જેને ભાવિકો પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે. પ્રતિવર્ષ હજારો મણ બોરની મંદિરમાં ઉછામણી કરવામાં આવતી હોય છે. જેને લઇ પોષી પૂનમને ભાવિકો બોર પૂનમ તરીકે પણ ઓળખે છે.
દીકરી બોલતી થતાં બોર ઉછાળી બાધા પુર્ણ કરી છે: ભાવિક
માનતા પૂર્ણ કરવા આવેલા ભાવિક મંજુલાબેને જણાવ્યું હતું કે, અમારી બેબી ત્રણ વર્ષની છે, પરંતુ એ બિલકુલ બોલતી નહોતી. જેના માટે અમે સંતરામ મહારાજની બાધા રાખી અને અમારી બેબી બોલતી થઈ છે. મહારાજના આશીર્વાદ મળ્યા છે અમને. અમે એની માનતા અહી બોર ઉછાળી પોષી પૂનમના દિવસે પુર્ણ કરી છે.
મંદિર દ્વારા ભાવિકો માટે રહેવા જમવાની વ્યવસ્થા કરાય છે : સંત
મંદિરના સંત નિર્ગુણદાસજી મહારાજે જણાવ્યું હતું કે, જે માતાપિતાના બાળકો બોલતા નથી. તે માતાપિતા આજના દિવસે બોર ઉછાળતા હોય છે. સિઝનનું આ ફળ છે અને એટલા માટે બોર ઉછાળે છે, બાળક બોલતા થઈ જાય છે. મંદિર તરફથી બહારથી આવતા દરેક ભક્ત માટે રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે.