જૂનાગઢ: મકરસંક્રાંતિના દિવસને દાન-પુણ્ય અને સેવા-પૂજા માટે વધારે મહત્વના ધાર્મિક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ આ દિવસે હજુ એક મહત્વની અને ઐતિહાસિક ઘટના બની હતી. મકરસંક્રાંતિના આ જ દિવસે મહાભારત યુદ્ધમાં બાણની સૈયા પર સુતેલા ભીષ્મ પિતામહએ પોતાના દેહનો ત્યાગ કર્યો હતો.
સનાતન ધર્મની સતયુગની આ પરંપરા અનુસાર વિક્રમ સંવંતના વર્ષમાં દક્ષિણાયન અને ઉત્તરાયણ આવેલા છે તે મુજબ દક્ષિણાયનમાં દેહ છોડનાર પ્રત્યેક જીવે મોક્ષ મેળવવા માટે અનેક વખત જન્મ લેવો પડતો હોય છે. પરંતુ એવું માનવામાં આવે છે કે, ઉત્તરાયણના દિવસે કોઈપણ જીવ દેહ છોડે તો તે પરમ ગતિને પ્રાપ્ત થતો હોય છે જેથી આજના દિવસે ભીષ્મ પિતામહએ પોતાના પ્રાણ દેહમાંથી છોડ્યા હતા.
શા માટે ભીષ્મ પિતામહએ સંક્રાંતિના દિવસે છોડ્યો દેહ ?
મકરસંક્રાંતિનો તહેવાર દાન-પુણ્ય પૂજા અને પરોપકાર સાથે જોડાયેલો છે. મકરસંક્રાંતિના દિવસ સાથે કેટલીક ધાર્મિક પરંપરા આજે પણ જોડાયેલી છે. આ પરંપરા મુજબ મહાભારત યુદ્ધમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ઘાયલ ભીષ્મ પિતામહ બાણની સૈયા પર સુતેલા હતા. સનાતન ધર્મની લોક વાયકા અને પરંપરા અનુસાર ભીષ્મ પિતામહને તેમના પિતા દ્વારા વરદાન પ્રાપ્ત થયું હતું કે, તે જ્યારે ઈચ્છે ત્યારે તેમના પ્રાણ દેહમાંથી ત્યાગ કરી શકે છે. એટલે તેમને ઈચ્છામૃત્યુનો વરદાન હતો. મહાભારત યુદ્ધમાં ઘાયલ થયેલા ભીષ્મ પિતામહએ આ સમયે ચાલી રહેલા દક્ષિણાયનમાં પ્રાણ ન છોડવાનું ઉચિત માનતા તેઓએ મકરસંક્રાંતિના દિવસે પ્રાણનો ત્યાગ કર્યો હતો.
વિક્રમ સવંતમાં દક્ષિણાયન અને ઉત્તરાયણ મહત્વના:
વિક્રમ સવંતના વર્ષમાં આવતા દક્ષિણાયન અને ઉત્તરાયણને ખૂબ જ મહત્વના માનવામાં આવે છે. ગરુડ પુરાણ અંતર્ગત સનાતન ધર્મની પરંપરા અને લોક વાયકા અનુસાર કોઈ પણ વ્યક્તિ દક્ષિણાયનમાં પોતાના દેહનો ત્યાગ કરે તો આવી કોઈ પણ વ્યક્તિને કર્મ અનુસાર મોક્ષ મળતો નથી. તો બીજી તરફ ઉત્તરાયણમાં કોઈ પણ વ્યક્તિ અને ખાસ કરીને મકરસંક્રાંતિના દિવસે દેહમાંથી પ્રાણનો ત્યાગ કરે તો આવા જીવનું સીધું પરમતત્વ સાથે મિલન થતું હોય છે. આથી ભીષ્મ પિતામહએ ઉત્તરાયણમાં મકરસંક્રાંતિના દિવસે પોતાના દેહમાંથી પ્રાણનો ત્યાગ કર્યો હતો.
આજના દિવસે સૂર્ય મકર રાશિમાં કરે છે પ્રવેશ:
મકરસંક્રાંતિના દિવસે સૂર્ય દક્ષિણાયનમાં ધન રાશિમાંથી ઉત્તરાયણમાં પોતાની રાશિ મકરમાં પ્રવેશ કરે છે. જેથી દક્ષિણાયનમાં નબળો પડેલો સૂર્ય પોતાની રાશિ મકરમાં ખૂબ જ બળવાન બનતો હોય છે. જેથી આજના દિવસે દાન-પુણ્ય ધર્મ, જપ-તપનું પણ આટલું જ મહત્વ છે. ભીષ્મ પિતામહને નારાયણના પરમ ભક્ત પણ માનવામાં આવે છે. આથી મકરસંક્રાંતિના દિવસે બાણની સૈયા પર સૂતેલા ભીષ્મ પિતામહની સામે સ્વયંમ ચતુર્ભુજ ધારી ભગવાન વાસુદેવ કૃષ્ણના રૂપમાં ઉભા હતા. આવા શુભ સંયોગે ભીષ્મ પિતામહએ પોતાના દેહમાંથી પ્રાણનો ત્યાગ કર્યો હતો.
આ પણ વાંચો: