ભુજ: કચ્છના સરહદી તાલુકા લખપતની સરહદથી એક પાકિસ્તાની ઘૂસણખોરને BSFના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડ્યો છે. બોર્ડર પાસેના પિલર નંબર 1139 નજીકથી આ પાકિસ્તાની નાગરિકને ઝડપી પાડવામા આવ્યો છે. જોકે પ્રાથમિક તપાસમાં તેની પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.
બોર્ડર પીલર નં. 1139 પાસે ક્રીક વિસ્તારમાંથી ઘૂસણખોર ઝડપાયો
ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં સીમા સુરક્ષા દળે પણ ચોકી પર પહેરો સઘન બનાવી દીધો છે, અને સતત પેટ્રોલિંગ પણ વધાર્યું છે. ત્યારે સીમા સુરક્ષા દળની 59 બટાલિયનના જવાનોને બોર્ડર પીલર નં. 1139 પાસે ક્રીક વિસ્તારમાંથી સામે પારથી ઘૂસી આવેલો પાકિસ્તાની ઘૂસણખોર મળી આવ્યો હતો.
પાક. ઘુસણખોર પાસેથી માછીમારીની સામગ્રી મળી
બીએસએફ પાસેથી મળેલી જાણકારી મુજબ ઘુસણખોરી કરતા ઝડપાયેલા આ 22 વર્ષીય યુવાનનું નામ બાબુઅલી ઉમર છે, તે પાકિસ્તાનના કાળા ગુગડા ગામનો રહેવાસી છે. આ પાકિસ્તાની નાગરિકની પ્રાથમિક તપાસ દરમિયાન તેની પાસેથી ત્રણ કિલો કરચલા, એક ચાકુ, તરણ માટેની ટ્યૂબ અને ટોર્ચ મળી આવ્યા હતા.
મહત્વપૂર્ણ છે કે, કચ્છના લખપત વિસ્તારના દરિયાઇ ક્રીકમાંથી આજે સીમા સુરક્ષા દળે પાકિસ્તાની ઘૂસણખોર યુવાનને ઝડપી પાડ્યો હતો અને તપાસ દરમિયાન તેની પાસેથી માછીમારીના સાધનો મળી આવ્યા હતા.માછીમારીની આડમાં કચ્છની દરિયાઇ સીમાએથી સામે પારથી ડ્રગ્સ ઘૂસાડવા સહિતના કારનામા અગાઉ સામે આવી ચૂક્યા છે. ત્યારે ભારતીય સુરક્ષા એજન્સીઓની હંમેશા સતર્કતા આવી નાપાક હરકતોને રોકે છે.