સુરત : કોરોના વાયરસને લઇ રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને રાજ્યમાં આવેલા મલ્ટી પ્લેક્સ, શાળા કોલેજોને બંધ રાખવાના આદેશ આપ્યા છે. તે દરમિયાન સુરતની પંદર સો જેટલી શાળાઓને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળાના આચાર્યને આરોગ્યલક્ષી પગલા ભરવા પણ સૂચના આપવામાં આવી છે. જો કે બોર્ડની પરીક્ષા રાબેતા મુજબ ચાલુ રાખવા અને શિક્ષકોને હાજર રહેવા પણ સુચન કરાયુ છે.
શાળાઓ બંધ રહેશે પણ શિક્ષકો રહેશે હાજર ચીન સહિત દેશભરમાં કોરોના વાયરસનેે કારણે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે, ત્યારે અગમચેતીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ મલ્ટીપ્લેક્સ, શાળા તેમજ કૉલેજો બંધ રાખવા આદેશ આપવામાં આવ્યા છે. આ અંગે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, સુરતમાં પંદરસો જેટલો શાળાઓ આવેલી છે. જે તમામને પરિપત્ર પાઠવી શાળાઓ બંધ રાખવામાં આદેશ આપવામાં આવ્યા છે. જો કે શિક્ષકોને હાજર રહેવા જણાવ્યું છે. તદઉપરાંત શાળામાં શેક્ષણિક કાર્ય બંધ રાખવા તેમજ પરીક્ષાલક્ષી કામગીરી કરવા માટેની સૂચના આપવામાં આવી છે. જ્યારે હાલ ચાલી રહેલી બોર્ડની પરીક્ષાને ધ્યાને રાખી રાબેતા મુજબ ચાલુ રાખવા જણાવવામાં આવ્યું છે. શાળામાં પરીક્ષા માટે આવતા વિધાર્થીઓનું આરોગ્ય જળવાય રહે તેવા પગલાં ભરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે.