- કોંગ્રેસ અને ખેડૂત સમાજના નેતાઓના ઘરે સવારથી જ પોલીસ પહોંચી ગઈ
- બારડોલીના ખેડુત સંમેલનમાં કાળા વાવટા બતાવી વિરોધનો કાર્યક્રમ
- જિલ્લામાં કુલ 52 લોકોને ડિટેન કરવામાં આવ્યા
બારડોલી : કૃષિ સંમેલનનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવાના કાર્યક્રમ થાય તે પહેલાં જ પોલીસે કોંગી નેતાઓ અને ખેડૂત સમાજના નેતાઓના ઘરે જઈને તેમણે હાઉસ અરેસ્ટ કરતાં તેઓ બહાર નીકળી શક્યા ન હતા. જ્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને માંડવીના ધારાસભ્ય વેશ બદલીને બારડોલી પહોંચી આવેદન પત્રના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં તેમની અટકાયત કરવામાં આવી હતી. દિલ્હીમાં કૃષિ કાયદાઓના વિરોધને લઈ ફફડી ઉઠેલી ભાજપા સરકારે ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે દેશભરમાં 700 ખેડૂત સંમેલન યોજવાનું નક્કી કર્યું છે. જે પૈકી 10 ખેડૂત સંમેલનો ગુજરાતમાં યોજાવાના છે. જેની ગુરુવારથી બારડોલી સ્વરાજ આશ્રમ મેદાન ખાતેથી સુરત જિલ્લા ભાજપા અધ્યક્ષ સી.આર પાટીલે શરૂઆત કરાવી હતી.
કોંગ્રેસ કાર્યકર્તાઓએ તાલુકા સેવા સદન ખાતે કાળા વાવટા બતાવ્યા
તાલુકા સેવા સદન ખાતે આવેદન પત્ર આપવા પહોંચેલા કોંગી કાર્યકર્તાઓએ આવેદન પત્ર આપ્યા બાદ ત્યાં જ ધરણાં પર બેસી ગયા હતા. કાયદાના વિરોધમાં કાળા વાવટા બતાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આવેદનપત્ર આપવા ગયેલા 30 કાર્યકર્તાઓ ધરણાં પર બેસતા ડિટેન કરાયા
આવેદનપત્ર આપી તાલુકા સેવાસદન ખાતે ધરણાં પર બેસી ગયેલા 30 કોંગી કાર્યકરો સહિત બારડોલીમાં કુલ 36 લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા. જ્યારે કડોદરામાં 5, કામરેજમાં 4, મઢીમાં 6 અને પલસાણામાં 1 કડોદરામાં એક મળી કુલ 52 લોકોને ડિટેન કરાયા હતા.