હાલમાં આ બારડોલી મતક્ષેત્રમાં આશરે ૧૭ લાખ ૫૫ હજાર મતદાતાઓ છે, જેમાં બહુધા આદિવાસી વસ્તી છે, આ બહુધા વસ્તીમાં હળપતિ, ચૌધરી, ગામીત, વસાવા, ધોડિયા સહિત કુંકણા વગેરે જુદા-જુદા વિસ્તારોમાં વસે છે. આમ, પરંપરાગત કોંગ્રેસ પક્ષ આ બેઠક જીતતો આવ્યો છે, પરંતુ ૧૯૯૯માં ભાજપના માનસિંહ પટેલ અને ત્યારબાદ ૨૦૧૪માં ભાજપના પ્રભુભાઈ વસાવાએ વિજય મેળવ્યો હતો.
હવે ફરી એકવાર લોકસભા ચૂંટણીના પડઘમ શરૂ થઈ ગયાં છે, ત્યારે વિવિધ રાજકીય પક્ષો સાથે ક્ષેત્રીય પક્ષો અને અપક્ષોના ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોનો પણ વધારો થશે, જે જૂથ મોટું હોય તેમાં દાવેદારો વધશે અને વાંધા સાથે નારાજગીનું પ્રમાણ પણ વધશે તે બાબત સ્વાભાવિક છે.
ભાજપ જૂથમાં ભાવી ઉમેદવારની શક્યતાની ચર્ચા કરવામાં આવે તો વર્તમાન સાંસદ પ્રભુભાઈ વસાવા, માનસિંહભાઈ પટેલ, ગણપત વસાવા વગેરે નામો ચર્ચામાં છે, પણ વર્તમાન સાંસદ પ્રભુભાઈ વસાવા તેમના સૌમ્ય સ્વભાવ, શાંત પ્રકૃતિ અને પોતાના મત વિસ્તારમાં વિકાસલક્ષી અનેક કામોને વેગવંતા કરનાર અને મતદારો પર મજબૂત પકડ ધરાવનાર વ્યક્તિની ઇમેજ ધરાવે છે, ત્યારે તેમના રિપીટ થવાના સંજોગો પણ ઉજળા મનાઈ રહ્યા છે.
બીજી તરફ એક સમયે કોંગ્રેસનો ગઢ મનાતા આ વિસ્તારમાં ડૉ. તુષાર ચૌધરી સહિત માંડવી વિધાનસભાના ધારાસભ્ય આનંદ ચૌધરી પણ ઇચ્છુકોની યાદીમાં સ્થાન ધરાવે છે, પરંતુ કોંગ્રેસ પક્ષનું એક સમયનું કદાવર સંગઠન અને ગ્રામીણ વિસ્તારોમાં ભારી પકડની જોશ ઓસરી જતા મતદારોની વિચારધારા અને ઉમેદવારની પ્રતિભા જ મહત્વનું પાસુ ગણાશે. કોંગ્રેસ પાસે સંસદીય ચૂંટણી લડી શકે તેવી કોઈ મહિલા ઉમેદવાર જણાતી નથી.
બારડોલી લોકસભાના ગત ચૂંટણીના પરિણામોની જો વાત કરીએ તો, ૨૦૧૪માં ભાજપ તરફથી પ્રભુભાઈ નગરભાઈ વસાવા અને કોંગ્રેસ તરફથી ડૉ.તુષાર ચૌધરીએ ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં ભાજપના પ્રભુભાઈ વસાવાને ૬,૨૨,૭૬૯ મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ડૉ. તુષાર ચૌધરીને ૪,૯૮,૮૮૫ મત મળ્યા હતા. આમ, ૨૦૧૪ લોકસભા ચૂંટણીમાં પ્રભુભાઈ વસાવા ૧,૨૩,૮૮૪ની જંગી લીડથી વિજયી બન્યા હતા.