સુરત: અમેરિકાના નાગરિકોના ડાર્ક વેબથી ડેટા મેળવીને લોનની લાલચ આપીને છેતરપિંડી કરનાર નબીરાઓ ઝડપાયા છે. અમેરિકન બેંકના નામે કોલ કરી લોનની ઓફર કરી ફીના નામે ગિફ્ટ કાર્ડની સિરિયલ નંબર અને પીન નંબર મેળવી ગુનાને અંજામ આપતા હતા. મળેલી માહિતી અનુસાર છેતરપિંડી કરવા માટે કોલ સેન્ટર આરોપીઓએ ભાડાનું મકાનમાં શરૂ કર્યું હતું.
કોલ સેન્ટરનો પર્દાફાશ: શહેરના વરાછા ગોપીનાથ સોસાયટી 2 માં ઉત્રાણ પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી. સોસાયટીના પહેલા માળે જ્યારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે ભાડાના મકાનમાં ચાલી રહેલ કોલ સેન્ટરમાં ડાર્ક વેબથી અમેરિકન નાગરિકોના ડેટા મેળવી તેમને અમેરિકન બેંકના નામે કોલ કરી છેતરપિંડી કરવામાં આવતી હતી. આ કોલ સેન્ટર ચલવનાર 29 વર્ષીય જયદીપ ઉર્ફે કેવિન ગોટી સહિત ભાગીદારીમાં નોકરી કરનાર અંકિત ભુવા, આશિષ ઇરાસ્ટ, રાહુલ નાયક અને ચિરાગ સોજીત્રાની ધરપકડ કરી હતી. પોલીસે ઘટના સ્થળ આશરે 40 હજાર રૂપિયા રોકડા પાંચ મોબાઇલ ચાર કમ્પ્યુટર સહિત 2.27 લાખની મત્તા કબજે કરી છે.
'આરોપીઓ અમેરિકન નાગરિકોને છેતરતી સમયે ખાસ ધ્યાન રાખતા હતા કે કોલ સેન્ટરમાંથી જે કોલ કરે તેને અમેરિકન સ્ટાઇલમાં અંગ્રેજી ભાષા આવી જોઈએ. જેથી ફાકડું અંગ્રેજી બોલી શકે તેવા લોકોને તેઓ નોકરી પર રાખતા હતા. સાથે જ અમેરિકન અંગ્રેજી બોલવા માટે તેઓ ટ્રેનિંગ પણ આપતા હતા. એટલું જ નહીં તેઓ સ્ક્રીપ્ટ પણ બનાવીને આપતા હતા. આ સ્ક્રીપ્ટ પ્રમાણે તેઓ અમેરિકામાંથી જ બોલતા હોય તેવો ઢોંગ કરતા હતા.' -એ.ડી.મહંત, ઇન્સ્પેક્ટર, ઉત્રાણ મથક
મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ: ઉત્રાણ મથકના ઇન્સ્પેક્ટર એ.ડી.મહંતે વધુમાં જણાવ્યું હતું કે આરોપીઓ લોન આપવાના બહાને પહેલા ગિફ્ટ કાર્ડની સિરીયલ તેમજ પીન નંબર મેળવી લેતા હતા. નાણા ડોલરમાં ટ્રાન્સફર કરાવી જે વ્યક્તિ પાસેથી ડેટા મેળવ્યા હતા તેનો સંપર્ક કરી ભારતીય કરન્સીમાં ટ્રાન્સફર કરી લેતા હતા. ત્યારબાદ અમદાવાદ અને ચંડીગઢની આંગડિયા મારફત આ નાણાં મેળવી લેતા હતા.