'ચોકીદાર ચોર હૈ'ના નારા સામે હવે લોકો સોશિયલ મીડિયામાં 'મેં ભી ચોકીદાર' લખી મોદીને સમર્થન આપી રહ્યા છે. લોકસભાની ચુંટણી નજીક છે, ત્યારે 'ચોકીદાર' શબ્દ ટ્રેન્ડ કરી રહ્યો છે. સુરતમાં કેટલાક સાંસદોનો વિરોધ થઇ રહ્યો છે, તો ક્યાંક 'ચોકીદાર ચોર હૈ'ના બેનર્સ જોવા મળી રહ્યા છે.
ચૂંટણીમાં મહત્વના મુદ્દા ભૂલી હવે પોસ્ટર વોર શરુ થયો છે. સુરતના કતારગામ વિસ્તારમાં પણ કાંઇક આવા જ બેનર્સ જોવા મળ્યા છે. કતારગામ વિસ્તારમાં આવેલી ભુલાભાઈ દેસાઈ પાર્ક સોસાયટી બહાર બેનર્સ લગાડવામાં આવ્યા છે. જેમાં પણ ચોકીદાર શબ્દ ટ્રેન્ડ કરી રહ્યો છે. તેમાં લખવામાં આવ્યું છે કે, 'ચોકીદાર ચોર નથી, ચોકીદાર તમે આગળ વધો અમે તમારી સાથે છે' આ બેનર્સ સોસાયટીના જ સભ્યો દ્વારા લગાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. રાજકીય પાર્ટીઓનો મુદ્દો બની ગયેલ 'ચોકીદાર' શબ્દને સુરતની સોસાયટીઓમાં સમર્થન મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ વખતની ચુંટણીમાં હવે બરોજગારી, શિક્ષણ, રામમંદિર, વિકાસ જેવા મુદ્દાઓ ભૂલી હવે ચોકીદાર શબ્દ પર ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સુરતમાં રાજકારણ અને પોસ્ટરવોર તેની ચરમસીમાએ પહોચી રહ્યું છે.