સાબરકાંઠા: જિલ્લા સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં મનરેગા હેઠળ ચાલતા ઘડી અને અંબાવાડા ખાતે તળાવ ઉંડુ કરવાના કામોનું જિલ્લા કલેક્ટર દ્રારા મુલાકાત લઈ નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. આ મુલાકાત સમયે તેમણે શ્રમિકો માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
સાબરકાંઠા જિલ્લામાં લોકડાઉનના સમયમાં હાલ મનરેગા યોજના થકી જળ સંચયના કામો થઈ રહ્યા છે. આ કામો થકી સુજલામ સુફલામ જળ અભિયાનના ત્રીજા તબક્કાને વેગ મળવાની સાથે જિલ્લામાં નવી રોજગારીની તકો ઉભી થઈ રહી છે.
2 જૂન 2020ના રોજ જિલ્લા સમાહર્તા દ્રારા પ્રાંતિજના ઘડી અને અંબાવાડા ખાતે થઈ રહેલા તળાવ ઉંડા કરવાના કામોનુ નિરીક્ષણ કર્યુ હતું. આ સમયે અહીં કામ કરી રહેલા શ્રમિકો માટે કોરોના ગાઇડ લાઇન મુજબ કામો કરવામાં આવી રહ્યા હોવાથી જિલ્લા સમાહર્તા દ્રારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
આ સાથે આગળ પણ શ્રમિકોને વધુ સારી સુવિધા જેવી કે શુધ્ધ અને ઠંડુ પાણી ગરમીમાં બપોરના સમયે છાયડાની સુવિધા સોશિયલ ડિસ્ટસિંગ જાળવીને કામ તેમજ માસ્ક જેવી બાબતો અંગે ધ્યાન રાખવા જણાવ્યું હતું.
ઘડી અને અંબાવાડા ગામમાં આ લોકડાઉન સમયમાં કારખાનાના શ્રમિકોની પાસે રોજગારીના હોવાથી મનરેગા હેઠળ નવા 275 જોબ કાર્ડ બનાવી બેરોજગાર શ્રમિકોને રોજગારી મળી રહી છે. આથી રોજગારી મેળવનાર શ્રમિકો દ્રારા જિલ્લા-તાલુકા વહિવટી તંત્રનો આભાર માન્યો હતો. તેમજ શ્રમિકોને તેમની રોજગારી સીધી તેમના બેન્ક ખાતામાં જમા કરવામાં આવતા તમામ શ્રમિકોને રકમ મેળવવામાં સરળતા રહે છે.
જો કે સાબરકાંઠા જિલ્લામાં હજુ કેટલાક ગામડાઓમાં મનરેગા યોજના અંતર્ગત સિંચાઈનાં કામો અંગે સ્થાનિક કક્ષાએ માહિતીનો અભાવ હોવાના પગલે હજારો લોકો રોજગારીથી વંચિત રહે છે તે માટે તંત્ર કંઈક વિચારે એ જરૂરી છે.