સાબરકાંઠાના પ્રાંતિજ પાસે આવેલ સીતવાડા ગામે અગાઉ બે દિવસ પહેલા અનુસૂચિત જાતિનું લગ્ન પ્રસંગ હતો. જેમાં વરઘોડો યોજવા બાબતે ગામમાં બે સમાજ વચ્ચે બોલાચાલી થઇ હતી બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થાનિક ગ્રામજનો સાથે બેઠક કરી સમાધાન સાધ્યું હતું. બાદમાં શાંતિપૂર્ણ વરઘોડો યોજ્યો હતો. ત્યારબાદ આજે એટલે કે રવિવારના રોજ એ જ ગામમાં અનુસૂચિત સમાજનો લગ્ન પ્રસંગ હતો.
જેમાં ગ્રામજનોએ વરઘોડો યોજવા દીધો હતો પરંતુ અનુસૂચિત સમાજના લોકોએ ગામના પૌરાણિક મંદિરમાં દર્શન કરવાની માગ કરી હતી. ત્યારે ગ્રામજનોએ ગામની પરંપરા ન તોડવા માટેની વાત કરી હતી પરંતુ અનુસૂચિત સમાજ જીદ પર અડગ રહી પ્રાંતિજ પોલીસ મથકે સુરક્ષા માટેની અરજી કરાઈ હતી તો પોલીસ ત્યાં પહોંચી હતી અને ગ્રામજનો સાથે બેઠક યોજી સુલેહ શાંતિનો ભંગ ન થાય એ માટે ગ્રામજનોને સમજાવી પોલીસ સુરક્ષા વચ્ચે ડીજેના તાલે વરઘોડો મંદિરે દર્શન માટે પહોંચ્યો હતો.
તેમજ શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરી અનુસૂચિત સમાજની જાન સીતવાડા ગામેથી પ્રસ્થાન થઇ સુખડ ગામેં જવા રવાના થઇ હતી અને હાલ ગામ માં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે એ માટે પોલીસ કાફલો ગામમાં ખડકવામાં આવ્યો છે અને કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ બન્યો નથી.