- ભાદર ડેમના ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે ડેમમાં આવ્યાં નવા નીર
- ડેમમાં 1390 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ
- બે દિવસથી ગોંડલ, જેતપુર પંથકમાં વરસી રહ્યો છે ધોધમાર વરસાદ
રાજકોટ: હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીને પગલે સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. ક્યાંય ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી, ઉપલેટા અને ગોંડલ પંથકમાં મેઘરાજા મહેરબાન થયા હોય તેમ ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજકોટ જિલ્લાના શહેરો અને ગામડાઓમાં પાણી વહેતા થયા છે. ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના સૌથી મોટા અને જૂના ભાદર ડેમ-1 માં વરસાદી પાણીની આવક સારી માત્રામાં થઈ રહી છે. સિંચાઈ વિભાગ જેતપુર દ્વારા જણાવ્યાં મુજબ ભાદર ડેમ-1 ની સપાટી હાલ 17.50 ફૂટ સુધી પહોંચી ગઈ છે. પાણીનો સારો એવી જથ્થો ડેમમાં જમા થયો છે. જેમાં ડેમમાં 1390 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે.
ઉપલેટા પંથકમાં 2 ઇંચ વરસાદ
ઉપલેટા શહેરમાં આજે રવિવારે સવારથી વરસાદ શરૂ થયો હતો. ઉપલેટામાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે સમગ્ર ઉપલેટા શહેર અને ગ્રામ્ય પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સાથે-સાથે જગતના તાત એવા ખેડૂતો માટે પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. ઉપલેટા પંથકમાં સિંચાઈ માટે આવેલા ડેમોમાં પણ જળ સપાટી યથાવત હોવાનું સામે આવ્યું છે. જેમાં વેણુ ડેમ-2ની હાલની સપાટી 52.53 મીટર છે. જ્યારે મોજ ડેમની સપાટી 66.67 મીટર યથાવત છે. જોકે, ડેમમાં હાલ કોઈ પ્રકારની આવક જોવા મળી નથી.