અમદાવાદ: બહુચર્ચિત બી.ઝેડ કૌભાંડ મામલે મુખ્ય આરોપી ભુપેન્દ્ર ઝાલા પહેલા પકડાયેલા સાત આરોપીઓ સામે અમદાવાદની ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં 22 હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. CID ક્રાઈમ દ્વારા સાત આરોપી વિરુદ્ધ આ 22 હજાર પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે.
બી.ઝેડ કૌભાંડના મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા સામે અત્યારે ચાર્જશીટ કરવાની બાકી છે, પરંતુ સાત આરોપીઓની સામે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ થઈ છે, જેમાં વિશાલ સિંહ ઝાલા, દિલીપસિંહ સોલંકી, આશિક ભરથરી, સંજય સિંહ પરમાર ,રાહુલકુમાર રાઠોડ, રણવીર સિંહ ચૌહાણ ,અને મયુરકુમાર દરજીના નામનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, આ ચાર્જશીટમાં કુલ 655 સાહેદ છે. આ કાંડમાં ધરપકડ કરાયેલા અન્ય છ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ કરવાની અત્યારે બાકી છે, જેમાં આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા, કિરણ ચૌહાણ, નરેશ પ્રજાપતિ, વિનોદ પટેલ, ગુણવંત સિંહ રાઠોડ, કમલેશ ચૌહાણનો સમાવેશ થાય છે. હાલમાં કેસમાં 15 આરોપીઓની ધરપકડ બાકી છે.
ચાર્જશીટમાં ઉલ્લેખ કરાયા મુજબ 6,866 રોકાણકારોના 172.60 કરોડ રૂપિયા ચુકવવાના હજુ બાકી છે. મહત્વપૂર્ણ છે કે, ગુજરાતના ગાંધીનગરમાં બીઝેડ ફાઈનાન્સિયલ સર્વિસ અને બી.ઝેડ ગ્રુપે રોકાણકારોને ઊંચા વ્યાજનું વચન આપીને આશરે 6 હજાર કરોડની છેતરપિંડી કરી હતી. આ કેસમાં CIDએ કાર્યવાહી કરી છે. ગાંધીનગર ,અરવલ્લી ,સાબરકાંઠા મહેસાણા અને વડોદરામાં દરોડા પાડ્યા હતા અને તે જ દરમિયાન એક એજન્ટ સહિત સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ બીઝેડ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલાની પણ ધરપકડ કરવામાં આવી હતી.