રાજકોટ : કોરોનાકાળ બાદ રાજકોટ સહિત રાજ્યભરના અલગ અલગ જિલ્લાઓમાં નાની વયના લોકોમાં હાર્ટ એટેક આવવાનું પ્રમાણ વધ્યું છે. જેમાં લોકોના જીવ પણ જઈ રહ્યા છે. એવામાં આગામી દિવસોમાં નવરાત્રીનો તહેવાર આવનાર છે. ત્યારે નવરાત્રીના તહેવાર દરમિયાન ગરબા રમતા સમયે હાર્ટ એટેક આવવાના કિસ્સા બને છે. આ પ્રકારના કેસમાં શું કામગીરી કરી શકાય અને દર્દીને વહેલી તકે કેવી રીતે સારવાર મળી શકે, તેને લઈને આજે રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા ગરબા મંડળના આયોજકો, તબીબો અને 108 ટીમ સહિતના કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા.
વહીવટી તંત્રની તૈયારી : આ અંગે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જિલ્લા કલેકટર ઓફિસ ખાતે તમામ ગરબા આયોજક મંડળ, ડોક્ટર, રેડક્રોસના ડોક્ટર, જનપ્રતિનિધિઓ સહિતના લોકો સાથે નવરાત્રીમાં વધતા હાર્ટ અટેકના કેસને લઈને એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે, ગરબા ગ્રાઉન્ડ ખાતે CPR તાત્કાલિક આપી શકે તેવા સ્ટાફને રાખવામાં આવે. આ સાથે જ દરેક ગરબાસ્થળે એક મેડિકલ કાઉન્ટર રાખવામાં આવશે.
ગરબા સ્થળે કોઈ ઈમરજન્સી સર્જાય તો એમ્બ્યુલન્સને અંદર સુધી આવવા-જવાની વ્યવસ્થા કરવામાં આવે. આ તમામ મુદ્દાઓ અંગેની સૂચનાઓ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે. જ્યારે IAM ના ડોક્ટરો સાથે વાતચીત થઈ છે. તેઓને CPR તાલીમ આપવામાં આવશે. આ સાથે જ ગરબા સ્થળે મેડિકલ કાઉન્ટર ઉપર પણ તેઓ ફરજ બજાવશે. -- પ્રભવ જોશી (રાજકોટ જિલ્લા કલેકટર)
રાજકોટમાં હાર્ટ એટેકના કેસ : જિલ્લા કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં દર મહિને રાજકોટ જિલ્લામાં હાર્ટ એટેકના 450 કરતા વધુ કેસો નોંધાઈ રહ્યા છે. એવામાં આગામી દિવસોમાં નવરાત્રીનો તહેવાર છે. નવરાત્રીના તહેવાર દરમિયાન ગરબા રમતા રમતા યુવા વર્ગના લોકોને હૃદય ઉપર વધારે સ્ટ્રેસ આવે છે. જેના કારણે હાર્ટ એટેકના કિસ્સા વધે છે. ત્યારે હાર્ટ એટેકના કેસ વધે નહીં તે માટે આ તમામ પ્રકારની કાળજી રાખવામાં આવી રહી છે.
ગરબાસ્થળે મેડિકલ સુવિધા : ઉલ્લેખનીય છે કે, આ અગાઉ રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાએ ગરબા આયોજકોને મેડિકલ ટીમ ગરબા સ્થળે રાખવાની સલાહ આપી હતી. ત્યારબાદ આ મામલે રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા ગરબા મંડળના આયોજકો, તબીબો તેમજ 108ની ટીમ સહિતના લોકો સાથે બેઠક યોજવામાં આવી હતી. રાજકોટમાં ગરબા આયોજનની વાત કરવામાં આવે તો અંદાજે 100 કરતા વધુ સ્થળોએ મોટા ગરબાનું આયોજન કરવામાં આવે છે. જ્યારે શેરીએ ગલીએ નાની-નાની ગરબીઓ પણ મોટા પ્રમાણમાં યોજાતી હોય છે.