રાજકોટ: હાલ ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના રાજ્યના મેટ્રો શહેરમાં તેમનો દરબાર યોજાવવાનો છે. સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોરારી બાપુને યાદ કર્યા હતા. આ બાબતે રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા મોરારીબાપુએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, તે તેમનો મારા પ્રત્યેનો સદભાવ છે. એક સંતે બીજા સંત અંગે આપેલા આ નિવેદનથી ભક્તોમાં પણ ખુશી છવાઈ હતી.
આજનો દિવસ ઐતિહાસિક: આજે દિલ્હીમાં નવા સંસદ ભવનનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ મામલે પણ કથાકાર મોરારીબાપુએ પ્રતિક્રિયા આપી હતી. મોરારીબાપુએ કહ્યું હતું કે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. પ્રધાનમંત્રીના કરકમલો દ્વારા નવા સંસદ ભવનની લોકાર્પણ થયું છે આ નવા લોકાર્પણ અંગે પણ પ્રધાનમંત્રીની પ્રશંસા કરી હતી. આજે નવા સંસદ ભવનનું લોકાર્પણ આજે દેશભરમાં ખુશીનો માહોલ લાવ્યું છે. જોકે આ સમયે પણ લોકાર્પણને લઈને અનેક વાદ વિવાદ ચાલી રહ્યા છે. રાજકોટ શહેરમાં કથાકાર મોરારીબાપુ દ્વારા આપવામાં આવેલું નિવેદન પણ ઘણું સૂચક હોવાનું જાણકારો માની રહ્યા છે.
'વૃદ્ધો અને વૃક્ષો બંને છાયા આપે છે. તે બંનેનું જતન કરવાનું કામ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેમજ આ કામમાં દાતાઓનો જે અદભુત સહયોગ મળ્યો છે તેની એક સંત તરીકે હું પ્રશંસા કરું છું. અમારા ગામની આજુબાજુમાં પણ વૃક્ષો વાવવા અને તેનું જતન કરી શકાય તે માટેની જાણકારી હું પણ મેળવીશ.' -મોરારીબાપુ
વૃદ્ધાશ્રમના કાર્યક્રમમાં હાજરી: રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના નજીક સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા અધધ 200 કરોડ રૂપિયાના ખર્ચે નવું વૃદ્ધાશ્રમ બનવા જઈ રહ્યુ છે. મોરારી બાપુએ પણ કહ્યું હતું કે આમ તો વૃદ્ધાશ્રમ ખૂલે એ સમાજ માટે સારી બાબત ન કહેવાય પરંતુ આ વૃદ્ધાશ્રમના કારણે અનેક નિરાશ્રિત લોકોને અહીં આશરો મળશે સમયની આ માંગ છે.