રાજકોટઃ ખંઢેરીની વૃધ્ધ મહિલાને મકાનનો કબ્જો સોંપાયો હતો. આ કેસને લઈને કોર્ટે આદેશ આપી દીધો હતો. ભરણપોષણ અધિનિયમ હેઠળ પ્રાંત અધિકારી વિવેક ટાંકના હૂકમના પગલે કાર્યવાહી કરવામાં આવી છે. ખંઢેરીના રાઈબેન કાનાભાઈ સોનારાએ તેમના પુત્ર વિક્રમભાઈ સોનારા વિરૂધ્ધ અગાઉ અરજી કરી હતી. પ્રતિ માસ રૂપિયા 8000નું ભરણપોષણ ચુકવવાનો પણ આદેશ કર્યો હતો.
ચેતવણી રૂપ કિસ્સોઃ રાજકોટ માતાપિતાને ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં ખંઢેરી ગામ ખાતે રહેતા એક વિધવા વૃદ્ધાને તેમના પુત્ર દ્વારા તરછોડીને ઘરમાંથી કાઢવામાં આવ્યા હતા. જ્યારે આ વૃદ્ધાએ તેમની પાસે રહેલી 5 એકર જમીન પણ પોતાના આ પુત્રના નામે કરી છતાં પણ પુત્ર દ્વારા તેમને તરછોડવામાં આવતા અંતે વૃદ્ધાએ આ મામલે તંત્રને અરજી કરી હતી. જ્યારે સમગ્ર ઘટનાની જાણ થયા બાદ રાજકોટ વહીવટી તંત્ર દ્વારા આ વૃદ્ધાને પોતાની જમીન પરત કરાવી હતી.
ખંઢેરી ગામની ઘટના : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરની ભાગોળે આવેલા ખંઢેરી ગામમાં રાઇબેન સોનારા નામના એક વૃદ્ધ વિધવાને તેમના પુત્ર વિક્રમ સોનારાએ તરછોડી દીધા હતા. જ્યારે આ વૃદ્ધાએ તેમની પાસે રહેલી પાંચ એકર જમીન પણ પોતાના પુત્રના નામે કરી દીધી હતી. જમીન પુત્રના નામે કરી દીધા બાદ વિક્રમ તેની માતા સાથે સરખી રીતે વાત પણ કરતો નહોતો તેમજ રાઈબેન બીમાર પડે તો તેમની સારવાર પણ કરાવતો નહોતો. ત્યારબાદ રાઈબેન જે મકાનમાં રહેતા હતા તે મકાન પણ આ પુત્ર દ્વારા વેચી નાખવામાં આવ્યું હતું. જેના કારણે રાઇબેન નિરાધાર બન્યા હતા અને તેઓ પોતાની પુત્રીના ઘરે રહેવા માટે મજબૂર બન્યા હતા. જેને લઇને અંતે રાઈબેન દ્વારા સમગ્ર મામલે રાજકોટ જિલ્લા કલેકટરને અરજી કરવામાં આવી હતી.
આ પણ વાંચો હાથના કર્યા હૈયે વાગ્યા: 2-2 દિકરા હોવા છતાં માતાની કફોડી હાલત, મામલો પહોંચ્યો HC
જુલાઈ માસમાં આવી હતી અરજી : આ અંગે રાજકોટ ગ્રામ્ય વિસ્તારના પ્રાંત અધિકારી વિવેક ટાંકે જણાવ્યું હતું કે ગત જુલાઈના રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં રાઈબેન સોનારા નામના વૃદ્ધ વિધવા દ્વારા અરજી કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેમના પુત્ર દ્વારા તેમને સાચવવામાં આવતા નથી અને તેમનું ભરણપોષણ કરવામાં આવતું નથી. જ્યારે આ વૃદ્ધા દ્વારા આ ઘટના અગાઉ તેમની પાસે રહેલી પાંચ એકર જમીન પોતાના પુત્રના નામે કરી આપી હતી. પુત્રના નામે જમીન થયા બાદ તેઓ આ વૃદ્ધાને સાચવતા ન હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું.
સમાજ કલ્યાણ અધિકારીએ બન્નેને સાંભળ્યા : પ્રાંત અધિકારીએ વધુમાં જણાવ્યું હતું આ પ્રકારની અરજી આવ્યા બાદ રાજકોટ વહીવટી તંત્ર દ્વારા માતાપિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ કલ્યાણ અધિનિયમ 2007 કાયદા હેઠળ અમે આ મામલે એક સમાજ કલ્યાણ અધિકારીની નિમણૂક કરી હતી. જેમાં આ વૃદ્ધા અને તેમના પુત્ર વચ્ચે જે અણબનાવ હતો તેને સાંભળવામાં આવે અને તેની તપાસ કરવામાં આવે તેમજ સમાધાન માટેનો રસ્તો અપનાવવામાં આવે. જેથી કરીને આ મામલે આગળ કાર્યવાહી ન થાય અને બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જાય. ત્યારબાદ સમાજ કલ્યાણ અધિકારી દ્વારા વૃદ્ધ માતા અને તેમના પુત્રને બોલાવવામાં આવ્યા અને નિવેદનો લેવામાં આવ્યા હતા. જેમાં વૃદ્ધ માતાની માંગણી હતી કે તેમને ભરણપોષણ આપવામાં આવે પરંતુ તેમના પુત્રએ જણાવ્યું હતું કે હું એટલો સક્ષમ નથી કે હું તેમને ભરણપોષણના પૈસા આપી શકું, આ મામલામાં માતા અને પુત્ર વચ્ચે સમાધાન નહીં થતાં ફરી આ કેસ વહીવટી તંત્ર પાસે આવ્યો હતો.
માતાપુત્ર વચ્ચે સમાધાન નહોતું થયું : જ્યારે આ કેસ ફરી રાજકોટ કલેકટર કચેરી પાસે આવતા કલેકટર કચેરી દ્વારા આ કેસને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાઈબેન છેક ખંઢેરી ગામથી સુનાવણી દરમિયાન દર તારીખે હાજર રહેતા હતા. પરંતુ તેમનો પુત્ર વિક્રમ એક પણ તારીખમાં હાજર રહ્યો નહોતો. જ્યારે તંત્ર દ્વારા વારંવાર તેમને સમન્સનું મોકલવામાં આવ્યું, જ્યારે પોલીસ વોરંટ પણ ઇશ્યૂ કરવામાં આવ્યું તેમજ વારંવાર તેમને ફોન ઉપર સમન્સ પાઠવવામાં આવ્યું છતાં પણ વિક્રમ હાજર નહીં રહેતા અંતે તંત્ર રાઈબેનને તેમના પુત્ર પાસેથી ફરીથી જમીન અપાવવા માટેનો હુકમ કર્યો છે. તેમજ દર મહિને રૂ.8 હજાર ભરણપોષણ પણ આપવાનું રહેશે.
કાયદાકીય લડત લડીશ : જયારે આ સમગ્ર મામલે વિક્રમ દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું કે આ ઘરની માથાકૂટ છે. જ્યારે મારા હકનું મકાન અને જમીન મને મળી હતી. જેમાંથી મેં ઘર વેચ્યું હતું. હવે કલેક્ટર દ્વારા આ જે ચુકાદો આપવામાં આવ્યો છે. તેને લઈને અમે પણ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરશું.