રાજકોટઃ ઉપલેટા શહેરની આર.પી. ભાલોડીયા મહિલા કોલેજ દ્વારા વિદ્યાર્થીનીઓમાં રહેલી કળા અને કૌશલ્યને પૂરતી તક મળી રહે તે માટે મેગા સ્ટાર્ટઅપ એન્ડ એક્સ્પો યોજાયો. કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓએ આ એક્સ્પોમાં ભાગ લીધો હતો. આ મેગા સ્ટાર્ટઅપ એન્ડ એક્સ્પોનો એક ઉદ્દેશ્ય વિદ્યાર્થીનીઓ અભ્યાસની સાથે આવક મેળવી શકે તેવો પણ હતો. તેથી વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ ચીજ વસ્તુઓના સ્ટોલ પણ લગાડવામાં આવ્યા હતા. આ સ્ટોલ્સની વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, આગેવાનો વગેરેએ રસપ્રદ મુલાકાત લીધી હતી.
મેગા સ્ટાર્ટઅપ એન્ડ એક્સ્પોઃ રાજકોટ જિલ્લામાં અનેક પ્રકારના સ્ટાર્ટઅપ અને એક્સપો યોજાતા હોય છે. ઉપલેટા શહેરની આ મહિલા કોલેજ દ્વારા વિદ્યાર્થીનીઓ અભ્યાસની સાથે આવક મેળવી શકે તે માટે મેગા સ્ટાર્ટઅપ એન્ડ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીનીઓએ પોતાના રહેલી કલાઓ અને કૌશલ્ય નો ઉપયોગ કરી, આવક મેળવીને કઈ રીતે આત્મ નિર્ભર બની શકાય તે જાણ્યું હતું. આ એક્સ્પોમાં વિવિધ ચીજ વસ્તુઓનું વેચાણ કરતા કુલ 36 સ્ટોલ્સ લગાડવામાં આવ્યા હતા. જેમાં ખાણી-પીણી, કોસ્મેટિક, બૂક્સ, રેડીમેડ કલોથ્સ વગેરેના સ્ટોલ્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ દરેક સ્ટોલ્સ પર મુલાકાતીઓની ભીડ જોવા મળી હતી. આ મુલાકાતીઓના પ્રતિભાવ અને પ્રોત્સાહનથી એક્સ્પોમાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો.
અમારી કોલેજમાં અભ્યાસ કરતી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ માટે મેગા સ્ટાર્ટઅપ એન્ડ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીનીઓ આર્થિક રીતે પગભર બનીને આત્મનિર્ભર કેમ બનાય તે શીખી શકે તે છે. આ એક્સ્પોની અમને રાજ્ય સરકાર દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ આયોજન સફળ રહેતા અમને ખૂબ આનંદ થયો છે. અન્ય શૈક્ષણિક સંસ્થાઓ પણ વિદ્યાર્થીનીઓમાં સ્કિલ ડેવલપમેન્ટ થાય તેવું આયોજન કરશે તેવું જણાવ્યું છે...ડો. પ્રો. મહેન્દ્ર કાલાવડીયા(આચાર્ય, આર.પી. ભાલોડીયા મહિલા કોલેજ, ઉપલેટા)
આ એક્સ્પોમાં વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ ચીજ વસ્તુઓના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. અમને સ્ટડીની સાથે સાથે સ્કિલ ડેવલેપમેન્ટ કઈ રીતે કરવું તે શીખવા મળ્યું. મુલાકાતીઓનો ખૂબ જ સારો રિસ્પોન્સ રહ્યો. અમને વિદ્યાર્થીનીઓને જે શીખવા મળ્યું તે અમને ભવિષ્યમાં કામ લાગશે...રૂદ્રાલી કારવેલીયા (વિદ્યાર્થીની, આર.પી. ભાલોડીયા મહિલા કોલેજ, ઉપલેટા)