લોકસભાની ચૂંટણી બાદ આજે રાજકોટ મહાનગરપાલિકાની પ્રથમ જનરલ બોર્ડ મળી હતી. જનરલ બોર્ડ હંગામી રહેવાની શકયતાને પગલે મનપા બહાર પહેલાથી જ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. બોર્ડમાં પ્રશ્નોત્તરી શરૂ થાય તે પહેલાં મનપાના સભ્યો દ્વારા સુરતમાં આગની ઘટનામાં મૃત્યુ પામેલ વિદ્યાર્થીઓને બે મિનીટનું મૌન રાખીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
ત્યારબાદ પ્રશ્નોત્તરી યોજવામાં આવતા શાસક પક્ષના કોર્પોરેટરો દ્વારા પ્રથમ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતાં, જ્યારે વિપક્ષને પ્રશ્નો પુછવાની તક આપવામાં ન આવતા કોંગી કોર્પોરેટરોએ પ્રશ્નો પૂછવા માટે સમય માંગ્યો હતો. જો કે મેયર દ્વારા કોંગી કોર્પોરેટરોને પ્રશ્ન પૂછવા અંગનો સમય ન આપતા કોંગી સભ્યો રોષે ભરાયા હતા. જેના કારણે તેઓએ હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે તુ-તુ, મે-મેના દ્રશ્યો સર્જાયા હતા. બાદમાં કોંગ્રેસ દ્વારા શાસક પક્ષ અને મનપાના મેયર સામે ગંભીર પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા હતા.