અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલકાંડના સતત નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ ક્રાઈમ બ્રાન્ચ બાદ તપાસ તે જ ગતિથી ધમધમી રહી છે. ત્યારે ફરી ખ્યાતિ હોસ્પિટલના ફરાર આરોપીઓમાંથી એક ડૉ. સંજય પટોળિયાની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
ખ્યાતિકાંડનો વધુ એક આરોપી ઝડપાયો
ખ્યાતિ કાંડના આરોપી ડૉ. સંજય પટોળિયા દ્વારા આગોતરા જામીનની અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કરવામાં આવી હતી, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે, હું નિર્દોષ છું, અને તમામ પ્રકારની પોલીસ તપાસમાં હું સહકાર આપીશ. જોકે, તેમના વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવેલી અપરાધિક કલમોને ધ્યાનમાં રાખીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા તેની જામીન અરજી નામંજુર કરવામાં આવી હતી.
હજી બે આરોપી પોલીસ પકડથી દૂર: ડૉ. સંજય પટોળિયાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આજે બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે અન્ય બે આરોપી રાજશ્રી કોઠારી અને CEO કાર્તિક પટેલ હજુ સુધી ભૂગર્ભમાં છે
ઘટના બાદ પોલીસથી નાસતા-ફરતા હતા ડૉ.પટોળિયા
ડોક્ટર સંજય પટોળિયા પોતાની ધરપકડ થતી અટકાવવા પોલીસથી નાસતા-ફરતા હતાં. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સંજય પટોડીયા બનાવ બનતા જ રાજકોટ અને ત્યાંથી રાજસ્થાન ભાગી ગયા હતાં. જે દિવસે બનાવ બન્યો અને તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાય, ત્યારે બીજા જ દિવસે તેઓ અમદાવાદ છોડી રાજકોટમાં આવેલી પોતાની હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યાં તેઓ રાત રોકાયા હતાં. ત્યારબાદ ત્યાં જ પોતાની ફોર્ચ્યુનર કાર અને મોબાઈલ ફોન છોડીને ટ્રાવેલ્સ માફતરે જયપુર, પાલી, ઉદયપુર, રાજસ્થાન તરફ નાસી ગયાં હતા. મોટાભાગના ટ્રાવેલ તેણે ટ્રાવેલ્સ અને ટેક્સીમાં જ કર્યા હતા. જે સ્થળે એક દિવસ કરતાં વધુ રોકાવવાનું થાય ત્યાં અલગ અલગ હોટલમાં તેઓ રોકાતા હતા.
અમદાવાદમાંથી ડૉ.પટોળિયાની ધરપકડ કરાઈ
અમદાવાદ ક્રાઈમ બ્રાંચને હ્યુમન ઈન્ટેલિજન્સ દ્વારા માહિતી પ્રાપ્ત થઈ હતી કે, આરોપી ડૉ.સંજય પટોળિયા અમદાવાદના ગોતા ખાતે આવેલી સિલ્વર ઓક એન્જિનિયરિંગ કોલેજ પાસે તેમના એક ડોક્ટર મિત્રને મળવા આવવાના છે, ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્યાં પહોંચીને આરોપી સંજય પટોળિયાની ધરપકડ કરવામાં આવી હતી.
કોણ છે ડૉ. સંજય પટોળિયા ?
આરોપી ડૉ. સંજય પટોળિયા અમદાવાદ બેરિયાટ્રિક્સ હોસ્પિટલનો સ્થાપક છે. તેમના દ્વારા જ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી અને 2021માં નવા ભાગીદાર તરીકે કાર્તિક પટેલ, પ્રદીપ કોઠારી અને ચિરાગ રાજપુતને પોતાની સાથે સામેલ કરીને ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની શરૂઆત કરી. ડૉ. સંજય પટોળિયા ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના ડિરેક્ટરોમાના એક છે. હોસ્પિટલમાં દર્દીઓની મેડિકલ સારવારને લઈને તમામ નિર્ણયો તેમના દ્વારા લેવામાં આવતા હતા. તથા હોસ્પિટલમાં નવા વિભાગ શરૂ કરવા અને તેના માટે ડોક્ટર લાવવાની કામગીરી પણ તેમના દ્વારા જ કરવામાં આવતી હતી.
કેવી રહી ડૉ. સંજય પટોળિયાની તબીબી કારકિર્દી
- ડૉ. સંજય પટોળિયા 1999 થી 2002 સુધી રાજકોટમાં આવેલી પંડિત દિન દયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરતા હતા.
- વર્ષ 2002 થી 2003 દરમિયાન આઠેક મહિના રાજકોટમાં આવેલી પદ્મ કુંબરબા હોસ્પિટલમાં ફુલ ટાઈમ સર્જન તરીકે કામ કર્યુ હતું.
- વર્ષ 2003 થી 2006 દરમિયાન તેમણે રાજકોટમાં જ આવેલી સરદાર પટેલ હોસ્પિટલમાં કામ કર્યું હતું
- વર્ષ 2006માં રાજકોટમાં સિટી હોસ્પિટલ નામથી ત્રણ ડોક્ટરોની ભાગીદારીમાં હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. જે હાલ ન્યુ લાઇફ હોસ્પિટલના નામથી કાર્યરત છે.
- વર્ષ 2012માં અમદાવાદમાં ડૉ. મહેન્દ્ર નવરિયા અને ડૉ. મનીષ ખેતાન સાથે ભાગીદારીમાં ગ્રુપ પ્રેક્ટિસમાં બેરિયાટ્રિક્સ એન્ડ કોસ્મેટીકસ કંપની શરૂ કરી જેનું ટ્રેડ નામ એશિયન બેરિયાટ્રિક્સ હોસ્પિટલ રાખ્યું હતું.
- વર્ષ 2012 થી 2014 તે અઠવાડિયામાં એક કે બે દિવસ એશિયન બેરિયાટ્રિક્સ હોસ્પિટલ અમદાવાદ આવતા બાકી રાજકોટમાં પ્રેક્ટિસ કરતા હતા.
- વર્ષ 2014 થી પૂર્ણકાલીન ડોક્ટર તરીકે એશિયન બેરિયાટ્રિક્સ હોસ્પિટલ પ્રેક્ટિસ શરૂ કરી હતી.
- વર્ષ 2016 માં ડૉ. મનીષ ખેતાન અને 2021 માં ડૉ. મહેન્દ્ર નવરીયા છૂટા થયા હતા અને તેની જગ્યાએ કાર્તિક પટેલ, પ્રદીપ કોઠારી અને ચિરાગ રાજપુત તેમની સાથે જોડાયા હતા.
- ડૉ. સંજય પટોળિયા ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બેરિયાટ્રિક્સ વિભાગમાં પૂર્ણકાલીન ડોક્ટર તરીકે કાર્યરત છે અને તેમના પત્ની ડૉ. હેતલ પટોળિયા પણ ગાયનેક વિભાગમાં પૂર્ણકાલીન ડોક્ટર તરીકે કાર્યરત છે.
- ડૉ. સંજય પટોળિયાનો ગુજરાતી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 39 ટકાનો ભાગ છે.
4 વર્ષમાં PMJAY માં કર્યો 15 કરોડથી વધુનો વહીવટ
ત્યારે અન્ય માહિતી આપતા ક્રાઈમ બ્રાંચના એસીપી ભરત પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2021 થી લઈને અત્યાર સુધીમાં 15 કરોડથી વધુનું PMJAY યોજના હેઠળ નાણાકીય વહીવટ ખ્યાતી હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલ છે. આ સમગ્ર ગુનામાં તેમની ભૂમિકા શું હતી તે અંગે તેની પુછપરછ કરવામાં આવશે.
અત્યાર સુધીમાં ઝડપાયા 7 આરોપી
- ડૉ. પ્રશાંત વજીરાણી
- ડૉ. ચિરાગ રાજપુત
- ડૉ. મિલિન્દ પટેલ
- ડૉ.રાહુલ જૈન
- ડૉ. પ્રતીક ભટ્ટ
- ડૉ. પંકિલ પટેલ
- ડૉ. સંજય પટોળિયા
શું હતો સમગ્ર મામલો: ગત 10મી નવેમ્બરે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બોરીસણા ગામે મહાદેવ મંદિરમાં સવારે 9 થી 1 વાગ્યા સુધી ફ્રી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ મેડિકલ કેમ્પમાં આવેલા લોકોમાંથી 19 દર્દીઓને દાખલ કરવામાં આવ્યાં હતાં. જેમાંથી કથિત 7 દર્દીઓને કોઈપણ સંમતિ વગર સ્ટેન્ટ લગાવી દેવામા આવ્યું હતું. જેમાંથી 45 વર્ષીય મહેશ બારોટ અને 59 વર્ષીય નાગરભાઈ સેન્મના નામના બે દર્દીઓના સ્ટેન્ટ લગાવ્યાના થોડા જ કલાકો બાદ મૃત્યું થયુ હતું. આ બંને દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી ડૉ. પ્રશાંત વઝીરાણીએ કરી હતી. ચોંકાવનારી વાત એ છે કે, ડૉ. વઝીરાણીનુ ખ્યાતિ હોસ્પિટલના પેનલ ડૉક્ટરમાં નામ જ નથી. તેમ છતાંય ડૉ. વઝીરાણી પાસે દર્દીઓની એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટી કેમ કરાવવામાં આવી હતી. ઘટના બાદ ખ્યાતિ હોસ્પિટલના માલિક ડોક્ટર કાર્તિક પટેલ સહિત અન્ય ડિરેક્ટરો ભૂગર્ભમાં ઉતરી ગયા હતો. આ મામલે 14 નવેમ્બરના રોજ ઓપરેશન કરનાર મુખ્ય આરોપી ડૉ. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી હતી.